(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
ચૂંટણી બોન્ડના વિવાદ અંગે ભાજપ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ચૂંટણી પંચને ૨૦૧૪-૧૫માં ભાજપ દ્વારા આપવામાં આવેલી નાણાકીય વિગતોમાં એવો ઘટસ્ફોટ થયો છે કે આંતકી ફંડીંગ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જે કંપની સામે તપાસ કરવામાં આવી રહી છે, એ કંપનીએ ભાજપને ૧૦ કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. ભાજપ ફરી એક વખતે વિવાદોમાં સપડાઇ ગયો છે. મુંબઇમાં આવેલી એક્સિસ બેંકની બાંદ્રા બ્રાંચ દ્વારા ભાજપને આ ડોનેશ આપવામાં આવ્યું હતું. આરકેડબલ્યુ ડેવલોપર્સ લિમિટેડ કંપનીના પ્રમોટર્સ એચડીઆઇએલના માલિક ધીરજ વધાવન છે. એચડીઆઇએલ સામે પીએમસી બેંક કૌભાંડના મામલામાં પણ તપાસ ચાલી રહી છે. આ મામલામાં વાધવાન પરિવારના બે સભ્યોની ધરપકડ પણ થઇ છે. આરકેડબલ્યુ ડેવલોપર્સ લિમિટેડ કંપનીના અંધારીઆલમનો ડોન દાઉદ ઇબ્રાહીમનો સાગરિત રહેલા ઇકબાલ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચીની કંપનીની સાથે સંબંધોની પણ તપાસ ચાલુ છે. દરમિયાન, ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ઇકબાલ મિર્ચીની પત્ની પાસેથી સંપત્તિ ખરીદવા બદલ એનસીપી નેતા પ્રફુલ પટેલ સામે દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યાના સપ્તાહો બાદ આરકેડબલ્યુ ડેવલોપર્સ લિમિટેડ કંપની પાસેથી ભાજપે ૧૦ કરોડ રૂપિયાનું ડોનેશન લીધું હોવાનો સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ થયો છે.
ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૪-૧૫ના વર્ષમાં આરકેડબ્લ્યુ કંપની લિમિટેડ પાસેથી ભાજપે ૧૦ કરોડ રૂપિયાનું ડોનેશન લીધું હતું. આતંકી ફંડીંગના મામલામાં ઇડી દ્વારા આરકેડબ્લ્યુ કંપની લિમિટેડ સામે તપાસ કરવામાં આવી રહી છે. ભાજપ તરફથી ચૂંટણી પંચને ડોનેશનની આપવામાં આવેલી વિગતોમાં આરકેડબ્લ્યુ ડેવલોપર્સ કંપનીનું નામ પક્ષને ડોનેશન આપનારી કંપનીઓની યાદીમાં ૨૬મા ક્રમે છે. આ યાદીમાં સત્યા ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ, જનતા નિર્વાચક ઇલેક્ટોરલ ટ્રસ્ટ જેવા ઘણા નામ સામેલ છે.
આરકેડબલ્યુ ડેવલોપર્સ લિમિટેડ કંપનીએ દાઉદ ઇબ્રાહીમની ટોળકી સાથે જોડાયેલી કંપની સાથે કરોડો રૂપિયાની લેવડ-દેવડ પણ કરી છે. આરકેડબલ્યુ ડેવલોપર્સ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર રંજીત બિંદ્રાની અંડરવર્લ્ડ તરફથી લેવડદેવડ કરવાના મામલામાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બિંદ્રા સામે આતંકી ફંડીંગનો પણ આરોપ છે. ઇડીએ એવો પણ આરોપ મૂક્યો છે કે ઇકબાલ મિર્ચીની સંપત્તિના વેચાણ બદલ બિંદ્રાને ૩૦ કરોડ રૂપિયાનું કમીશન મળ્યું હોવાનું કહેવામાં આવે છે.
મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે રંજીત બિંદ્રા ઇકબાલ મિર્ચી અને કંપની વચ્ચેના સોદામાં એજન્ટની ભૂમિકા ભજવતો હતો. ભાજપને ડોનેશન આપનારી કંપની સામે ૧૯૯૩ના મુંબઇ બોમ્બ વિસ્ફોટોના આરોપી ઇકબાલ મિર્ચીની સંપત્તિ ખરીદવાનો પણ આરોપ છે. ઇડીનો એવો આરોપ છે કે આરકેડબ્લ્યુ ડેવલોપર્સ લિમિટેડે ઇકબાલ મિર્ચીની સંપત્તિના વેચાણમાં પણ સહયોગ કર્યો છે. નોંધનીય છે કે આરકેડબ્લ્યુ ડેવલોપર્સ લિમિટેડ સાથે સોદાના મામલામાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.