(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
શહેરમાં રખડતા પશુઓના શિંગડે મરતા શહેરીજનો, સાડા ચાર મહિનાથી આજવા સરોવરમાંથી આવતા ગંદા પાણીની સમસ્યા, છ-બાર મહિના સુધી પ્રશ્નોના જવાબો ન આપવા સહિતના મુદ્દાઓ અંગે આજે મળેલી મનપાની સમગ્ર સભામાં વિપક્ષ કોંગ્રેસે ઉહાપોહ મચાવી સત્તાધારી ભાજપને ભીંસમાં લીધો ત્યારે ડે.મેયર લુલો બચાવ કરી પ્રત્યુત્તર વાળ્યો હતો.
આજે મનપાની સમગ્ર સભા ડે.મેયર ડૉ.જીવરાજ ચૌહાણના અધ્યક્ષપદે મળી હતી. આર.એસ.પી.ના રાજેશ આયરેએ ચર્ચા દરમિયાન પ્રશ્ન ઉછાળ્યો હતો કે, શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ યથાવત્‌ છે. તો તેને રોકવા શું નીતિ અપનાવી છે. તાજેતરમાં રખડતી ગાયે મારેલા શિંગડાને કારણે એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. હવે શહેરીજનો રોડ ઉપર નિકળતા ગભરાઇ રહ્યાં છે. શહેરીજનોને ત્રાસમાંથી ક્યારે મુકત કરાવશો.
રાજેશનાં ઉપરોકત પ્રશ્નનો પ્રત્યુત્તર વાળતા મ્યુનિ.કમિશનર અજય ભાદુએ કહ્યું હતું કે, રખડતા પશુઓની સમસ્યા ગંભીર બાબત છે. આ અંગે વિકલ્પની પણ તૈયારી કરી છે. તમારી લાગણી સાથે હું સહમત છું. સમસ્યા ભયંકર છે. દરેક શહેરોમાં રખડતા પશુઓની સમસ્યા છે. શહેર પોલીસ કમિશનરને પશુ પાલકો સામે સખત પગલા ભરવા પત્ર લખ્યો છે.
કોંગ્રેસના ચિરાગ ઝવેરીએ અને ચંદ્રકાંત ભથ્થુએ રજૂઆત કરી હતી કે, આજવા ખાતેનાં પાણી શુધ્ધકરણ પ્લાન્ટમાંથી શહેરીજનોએ સતત સાડા ચાર માસ ગંદુ પાણી પીધું. લોકોની રજૂઆતોને ત્યારે સાંભળવામાં ન આવી. હદવટી ગઇ એટલે અધિકારીઓએ તપાસ કરી તો શુદ્ધિકરણ પ્લાન્ટ જ જર્જરીત હાલતમાં હતો. એટલે મરામત શરૂ કરી. જે હજી સુધી ચાલી રહી છે. કામ પરિપૂર્ણ થયું નથી. આજવામાં પાણીની સપાટી વધી છતાં હજુ સુધી પ્લાન્ટ રીપેર થયો ન હોવાથી પાણી આપી શકાતું નથી. આના માટે અધિકારીઓ જવાબદાર છે. જેમને વહીવટીતંત્ર અને તમે (સત્તાધારી પક્ષ) છાવરી રહ્યાં છો.
ડે.મેયર ડૉ.જીવરાજ ચૌહાણે પ્રત્યુત્તર વાળતા જણાવ્યું હતું કે, આજવા ખાતેનાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે. ઝડપથી મરામત થાય તે અંગે સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સીસ્ટમમાં એકવાર ફોલ્ટ થાય તો રીપેર કરતાં સમય લાગે. એટલે ગુસ્સે ભરાયેલા ચિરાગ ઝવેરીએ કહ્યું કે, બધુ કામ બાજુએ મૂકી પ્લાન્ટની મરામતનું કામ યુદ્ધના ધોરણે કરવું જોઇએ. લોકોને પાણીથી વંચિત ન રાખી શકાય. અધિકારીઓ જાડી ચામડીના છે.
આથી ડે.મેયરે ચિરાગને કહ્યું કે, તમારી પાસે જાદુઇ લાકડી હોય તો લાવો રાતો રાત પ્લાન્ટની મરામત કરી નાંખીયે. જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવ્યા છે.કોંગ્રેસનાં અમી રાવત અને આર.એસ.પી.ના રામીએ રજૂઆત કરતાં કહ્યું હતું કે, લોક સુખાકારી અને પ્રાથમિક સુવિધાઓ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોનાં પ્રત્યુત્તર કમિશનર દ્વારા છે કે બાર મહિના સુધી આપવામાં આવતા નથી. તો આમાં શું છૂપાવવા જેવું છે. પ્રશ્નો સાવ સામાન્ય કક્ષાના છે. અઘરા પ્રશ્નો નથી. છતાં પ્રત્યુત્તર આપતા આટલું મોડુ કેમ કરવામાં આવે છે.
ડે.મેયરે કહ્યું કે, અમુક પ્રશ્નો કન્ફર્મ કરવા પડે છે. અદ્ધર તાલે પ્રત્યુત્તર ન અપાય. આથી મોડુ થાય છે. ભાજપના કંચનબેન રાય તથા જયોતિબેને અમીરાવત અને રામીના પ્રશ્નનાં વિરોધ કરતાં કહ્યું કે, તમે એકના એક પ્રશ્નોની ચર્ચા કરી સમય બગાડો તો અમે અમારા વોર્ડના પ્રશ્નોની ચર્ચા ક્યારે કરીએ. અમારા પ્રશ્નોની રજૂઆત કરવા તમારે લીધે સમય મળતો નથી અને સભા પૂરી થઇ જાય છે.