(એજન્સી) કોલકાતા, તા.૧
તૃણમૂલ કોંગ્રેસના પક્ષના સંસદીય નેતા ડેરેક ઓબ્રાયને જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કેન્દ્રમાંથી ભાજપને હટાવવા માટે એ બધું જ કરી છૂટશે જેટલું તેઓ કરી શકશે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ખુરશીમાં કાંઇ જ નથી પરંતુ મમતા બેનરજી ભાજપને હટાવવા માટે બધું કરશે. વિપક્ષની એકતા અંગે ચિંતા કરતા તેમણે જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ તમામ વિપક્ષોને વિચારધારાને બાજુમાં મૂકી એક પ્લેટફોર્મ પર આવવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાંતિય વિચારધારા બાજુએ મૂકી દેવી જોઇએ. કોઇ એસપી અને બીએસપી સાથે કામ કરી શકે તેવું કેવી રીતે વિચારી શકે ? જો મમતા બેનરજી એસપી અને બીએસપીને સાથે કામ કરવા માટે કહી શકે તો તેઓ પાસે બંનેને સાથે લાવવા તક રહેલી છે.
ઓબ્રાયને જણાવ્યું હતું કે, જો હું ટેનિસ કોચ બનવાનો પ્રયાસ કરૂં અને રોજર ફેડરર ટેનિસ કોચ બનવા માગે તો મારા કરતા ફેડરર વધુ દાવેદાર મનાશે. કારણ કે ટેનિસ વિશ્વમાં તેને ખ્યાતિ મળેલી છે. તેથી મારૂં માનવું છે કે, બધાને સાથે લાવવામાં મમતા બેનરજી સૌથી શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી શકે છે. દરમિયાન ઓબ્રાયને નોટબંધી અને ઉતાવળિયું પગલું ભરી જીએસટીને અમલી કરવા બદલ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, જો વિપક્ષમાં એકતા હશે તો તે ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. તેમણે કહ્યું કે, ગુલામનબી આઝાદ, શરદ યાદવ અને મેં કેટલાક દિવસ પહેલાં પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તો અમે ફક્ત ત્રણ જ હતા પરંતુ અમે ૧૭-૧૮ પક્ષોનો અવાજ બની રહ્યા હતા. આ સંકલન કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. મમતા બેનરજીની અધ્યક્ષતામાં અમારી પાસે ૪૭ સાંસદો છે. તેથી નિર્વિરોધ અમારી પાસે સૌથી વધુ સાંસદો છે. અમે જે દિવસે ૮ નવેમ્બરને કાળો દિવસ મનાવવાનો નિર્ણય લીધો તેના કલાકોમાં જ ભાજપે કાળા નાણા વિરોધી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. તેથી ચોક્કસ કહી શકાય કે, ભાજપ હાલ મુશ્કેલીમાં છે. ગયા વર્ષે આઠમી નવેમ્બરે મોદીએ દેશના ૮૬ ટકા ચલણને ગેરકાયદે ગણાવી રદ કરતા દેશને આઘાત પહોંચાડ્યો હતો. તેમના નિર્ણયથી દેશના અર્થતંત્રને નબળું પાડ્યું છે. તેમણે નોટબંધીને સદીનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું.