(એજન્સી) જયપુર,તા.૧૦
રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી અંગેના સર્વેમાં કોંગ્રસ માટે ઉત્સાહજનક વરતારો થઈ રહ્યો છે ત્યારે ભાજપને વધુ એક ફટકો વાગવાના એંધાણ છે.
ભાજપના સિનિયર આગેવાન જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહ ૧૩ ઓક્ટોબરે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની હાજરીમાં જોડાઈ શકે છે. માનવેન્દ્ર ભાજપ છોડવાનું જાહેર પહેલા જ કરી ચુક્યા છે.
એવી યોજના બનાવવામાં આવી રહી છે કે માનવેન્દ્ર પોતાના સમર્થકો સાથે રેલી કાઢીને કોંગ્રેસમાં સામેલ થયા. જો આવું થયું તો પશ્ચિમિ રાજસ્થાનની રાજકારણમાં મોટો બદલાવ આવશે. આ વિસ્તારમાં રાજપૂત પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. એવામાં રાજપૂત સમુદાય મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફ વળી શકે છે.
માનવેન્દ્ર હાલમાં બાડમેરથી ભાજપના ધારાસભ્ય છે. લોકસભાની બેઠક માટે ભાજપે ગત ચૂંટણીમાં તેમને ટિકિટ નહી આપ્યા બાદ ખટરાગ શરૂ થયો હતો.