(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસની નાની-નાની માછલીઓ જાળમાં ફસાવતા કોંગ્રેસે આજે વળતો પ્રહાર કરી ભાજપના બે પૂર્વ ધારાસભ્ય જેવા કદાવર નેતાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી ભાજપમાં સોપો પાડી દીધો છે. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલાજી મેર અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી સુંદરસિંહ ચૌહાણે ભાજપને અલવિદા કરી મોટો ફટકો માર્યો છે.
ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર કોળી સમાજના આગેવાનો છે. તેઓ ર૦૧રમાં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ ર૦૧૭ સુધી ધારાસભ્ય રહ્યા હતા. લાલજીમેર વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર હોવાથી ભાજપમાંથી તેમના રાજીનામા અને કોંગ્રેસમાં જોડાવાથી મોટો ફટકો પડવાની સંભાવના છે. જ્યારે મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણે પણ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. સુંદરસિંહ ખેડા જિલ્લામાં મોટું માથું મનાય છે. તેઓ ચાર ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એટલું જ નહીં તેઓ મંત્રીપદે પણ રહી ચૂકયા છે. સુંદરસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષમાં આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રગતિશીલ ખેડૂત અને જાહેર જીવનમાં સામાજીક અગ્રણી તરીકે આગવી ઓળખ ધરાવતાં સુંદરસિંહ ચૌહાણના કોંગ્રેસ પક્ષમાં જોડાવવાથી કોંગ્રેસ પક્ષના સંગઠનને સહયોગ મળશે. સાથોસાથ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે લડત વધુ મજબૂત થશે.
ભાજપની ખેડૂત વિરોધી અને જન વિરોધી નીતિ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સુંદરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની સતત ખેડૂત વિરોધી નીતિઓના કારણે તથા મારી તથા મારા ખેડૂત ભાઈઓની સતત અવગણના થવાના કારણે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ભાજપ પક્ષમાં જૂના, અનુભવી અને નિષ્ઠાવાન કાર્યકર-આગેવાનોની સતત અવગણના થાય છે. ભાજપ પહેલા કરતા સદંતર બદલાઈને થોડાક લોકો માટે જ કામ કરી રહ્યો છે. ખેડૂતોને ખેત પેદાશોના ભાવ મળતા નથી. સિંચાઈનું પાણી મળતું નથી. વીજળી, બિયારણ, ખાતર સહિત ખેતી માટે જરૂરી તમામમાં મોટા પાયે ભાજપ શાસનમાં ભાવ વધારો થયો છે. ખેડૂતોને સતત અન્યાય થાય છે. ખેડૂતોની વાત ભાજપ સરકારમાં કોઈ સાંભળતું નથી. તેથી ખેડૂતોના હિતની લડાઈ માટે કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું.