અમદાવાદ, તા. ૧૦
રાજ્યની ભાજપ સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરીને અલ્પેશ ઠાકોરની ટીમના ગેનીબેન ઠાકોરે વિધાનસભાની ચૂંટણી હરાવતા શંકર ચૌધરી રઘવાયા થયા હતા. ત્યારે શંકર ચૌધરીએ ફરી ગાંધીનગર વિધાનસભામાં જવાનો માર્ગ મોકળો બનાવવા રણનીતિ ઘડીને મંત્રી પરબત પટેલને લોકસભાની ટિકિટ અપાવી હતી. ત્યારબાદ લોકસભામાં અલ્પેશ નડે નહીં એટલે અલ્પેશ સાથે રાજકીય સોદાબાજી કરી બનાસકાંઠા જ નહીં, પરંતુ પાટણ, સાબરકાંઠામાં પણ ઠાકોર અને ઓબીસી મતોમાં ભાગલા પાડીને કોંગ્રેસને નુકસાન કરવાનો રાજકીય પ્લાન શંકર ચૌધરીએ ઘડી કાઢ્યો હોવાની ચર્ચાઓ વેગવંતી બની છે. તેમના પ્લાન મુજબ અલ્પેશ ઠાકોરે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે અલ્પેશ ભાજપમાં જોડાઈ જાય અને તેને કોઈ બોર્ડ-નિગમનું ચેરમેન પદ સોંપવામાં આવે તેવી શક્યતા છે.
અલ્પેશ ઠાકોર માટે હવે બાવાના બે ય બગડયા જેવી દશા થઇ છે. કોંગ્રેસ હાઇકમાન્ડની ગુડબુકમાંથી અલ્પેશ ઠાકોરની બાદબાકી થઇ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ નેતાઓ હવે અલ્પેશ ઠાકોરનો ભાવે ય પૂછતા નથી. આ તરફ,ભાજપમાં જવા બેતાબ અલ્પેશ ઠાકોર હવે પક્ષપલ્ટો કરે તો કોઇ રાજકીય ફાયદો થાય તેમ નથી. આ જોતાં અલ્પેશ ઠાકોરનુ રાજકારણ બનાસકાંઠા પુરતુ જ સિમિત થઇ જાય તેવી સ્થિતી નિર્માણ થઇ છે પરિણામે અલ્પેશ ઠાકોરે ઠાકોરસેનાના નામે શંકર ચૌધરી સાથે હાથ મિલાવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પાટણ, બનાસકાંઠા બેઠક પર કપરાં ચઢાણ હોવાથી ભાજપને પણ છેલ્લી ઘડીએ અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી છે. ઉ.ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પુનઃ ‘ઓપરેશન બનાસ’ સક્રિય કરીને આખરે ખેલ પાડી દીધો હતો. અલ્પેશ ઠાકોરે રાજકીય સોદો કરીને પાટણ , બનાસકાંઠા અને સાબરકાંઠામાં કોંગ્રેસ સમર્થક ઠાકોર-ઓબીસી મતદારોને ભડકાવી ભાજપમાં મત પરિવર્તિત કરવા બેઠકોનો દોર શરુ કર્યો છે. આ ઉપરાંત ઠાકોરસેનાના કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિલિનીકરણ કરવા તૈયારીઓ થઇ રહી છે. ત્રણ બેઠકો પર ઠાકોર-ઓબીસી મતદારોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરીને કોંગ્રેસને નુકશાન પહોંચાડવા અલ્પેશ ઠાકોરે અંદરખાને સોપારી લીધી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે આ વખતે અલ્પેશ ઠાકોરને એકેય માંગ સ્વિકારી નથી. આ કારણોસર અલ્પેશ ઠાકોરે હવે કોંગ્રેસ સાથે રાજકીય બદલો લેવાની તૈયારીમાં પક્ષવિરોધી પ્રવૃતિ શરુ કરી છે.
કોંગ્રેસમાં જ રહીને ભાજપને મદદરુપ થવા અલ્પેશ ઠાકોરે હવે ઠાકોરસેનાને આગળ ધરી છે. બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરના ઇશારે જ ઠાકોરસેેનાનો એક ઉમેદવાર ચૂંટણી મેદાને છે. મતોના ભાગલા પાડીને ભાજપને જીતાડવા અલ્પેશ ઠાકોરે કમર કસી છે. આવી પ્રવૃતિની કોંગ્રેસ હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. અત્યારે કોંગ્રેસે હાર્દિક પટેલને પ્રોત્સાહન આપવા માંડયુ છે . રાજસ્થાનમાં કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટારપ્રચારક તરીકે ચૂંટણી પ્રચારમાં મોકલવા નક્કી કર્યુ છે જયારે અલ્પેશ ઠાકોરને યુપી , બિહાર , રાજસ્થાન સહિતના રાજ્યમાંથી બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત હવે સંગઠનના કાર્યક્રમ,પક્ષની બેઠક જ નહીં, ચૂંટણી પ્રચારમાં ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ વતી આમંત્રણ અપાતુ નથી તેવી ચર્ચાએ જોર પકડયુ છે.