(એજન્સી) બેંગલુરૂ, તા. ૧૩
કર્ણાટકમાં કોંગ્રેસે વિધાનસભાની અન્ય એક બેઠકની પેટાચૂંટણી જીતી લીધી છે. જયનગર મતવિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવાર સૌમ્યા રેડ્ડીએ ભાજપના ઉમેદવાર બીએન પ્રહલાદ બાબુને ૩,૭૭૫ મતોથી પરાજય આપ્યો છે. પ્રહલાદ બાબુ ભાજપના નેતા બીએન વિજય કુમારના ભાઇ છે. વિજય કુમારના નિધનને કારણે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. વિજય કુમાર ચાર વાર આ બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા. આજે પરિણામ જાહેર થયા છે અને કોંગ્રેસે વિજય હાંસલ કરતા તેની કુલ બેઠક વધીને ૮૦ થઇ ગઇ છે. જયનગરમાં કોંગ્રેસના વિજયની સાથે ગઠબંધનની કુલ સીટ વધીને ૧૧૮ થઇ ગઇ છે. આ પેટા ચૂંટણીમાં પહેલી વાર જેડીએસે કોંગ્રેસના ઉમેદવારને રાજ્યમાં સમર્થન આપીને પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો ન હતો. અગાઉ, આરકે નગરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ગઠબંધનની સરકાર બની હોવા છતાં કોંગ્રેસ અને જેડીએસે અલગ-અલગ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ગયા મહિને ૧૨મી મે એ રાજ્યમાં વિધાનસભાની ચૂંંટણીઓ યોજાઇ હતી. ૨૨૪ વિધાનસભા સીટમાંથી ૨૨૨ બેઠકની ચૂંટણી યોજાઇ હતી. આરકે નગર અને જયનગર વિધાનસભા સીટ પર ચૂંટણી યોજી શકાઇ ન હતી. આરકે નગર વિધાનસભા મતવિસ્તારમાં બનાવટી વોટર આઇડી મળવાને કારણે અને જયનગર મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારનું નિધન થઇ જવાથી ચૂંટણીઓ યોજી શકાઇ ન હતી. કોંગ્રેસે ૨૮મી મે એ આરકે નગર વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ વિજય હાંસલ કર્યો હતો. જયનગરમાં ૧૧મી જૂને મતદાન યોજાયું હતું.