અમદાવાદ, તા.૧ર
જાહેરમાં ભાજપને ગાળો ભાંડતા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના બળવાખોર અને ભાજપની બી ટીમ તરીકે કામ કરતા શંકરસિંહ વાઘેલા સાથે મળીને થર્ડ ફ્રન્ટમાં સામેલ થશે. એટલે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં બાપુ અને હાર્દિક ભાજપને ગાળો ભાંડી પાછલા બારણે તેમને જ ફાયદો કરાવશે. કેમ કે જ્યારે પણ ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ આવે ત્યારે તેનો સીધો લાભ ભાજપને જ થાય છે. એટલે ભાજપને ગાળો ભાંડનારા જ હવે ભાજપને ચૂંટણીમાં પાછલા બારણે મદદ કરશે.
ભાજપ વિરૂદ્ધ આંદોલન ચલાવી રહેલા અને પાટીદાર અનામતની માગણી કરતા હાર્દિક પટેલે ર૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાડી દો તેવી હાંકલ કરી હતી પરંતુ રાજકારણમાં કાયમી હોતું નથી. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે પડદા પાછળથી ભાજપને મદદ કરવાનો નિર્ણય કર્યો હોવાની ચોંકાવનારી જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે. ભાજપ વિરૂદ્ધ ગામેગામ સભાઓ અને પ્રચાર કરનાર હાર્દિક પટેલે હવે શંકરસિંહ વાઘેલા સાથે હાથ મિલાવી શરદ પવારના થર્ડ ફ્રન્ટમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. બહુ જલદી હાર્દિક પટેલ એનસીપી સાથે જોડાય તેવો અંદેશો મળી રહ્યો છે, તેની સત્તાવાર જાહેરાત પણ હાર્દિક દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. ર૦૧૭ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડનારા શંકરસિંહ વાઘેલા જાહેરમાં તો ભાજપને ગાળો આપી રહ્યા છે, પણ તેમના શબ્દો અને વ્યવહાર જુદા છે. ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહેલા શંકરસિંહ વાઘેલા ભાજપના તૂટી રહેલા મતદારોને કોંગ્રેસ તરફ સરકી જાય નહીં તેવી ગોઠવણ કરી રહ્યા છે. બાપુ જાહેરમાં તો ર૦૧૯માં ભાજપને પાડી દેવાની વાત કરે છે. પરંતુ ગુજરાતની તાસીર પ્રમાણે જ્યારે પણ થર્ડ ફ્રન્ટ મેદાનમાં આવે ત્યારે તેનો ફાયદો ભાજપને જ થયો છે. ર૦૧૯ લોકસભાની ચૂંટણીમાં ભાજપને બચાવી લેવાની સોપારી બાપુને આપવામાં આવી છે, જેના ભાગરૂપે બાપુ પણ બહુ જલદી એનસીપીમાં જોડાય તેવી શક્યતા છે. જો કે બાપુનો રાજકીય સ્વભાવ સોદાબાજીને હોવાને કારણે તેઓ ગુજરાતમાં છ બેઠકોની માગણી કરી રહ્યા છે. થર્ડ ફ્રન્ટને છ બેઠકો ગુજરાતમાં મળે તો સ્વાભાવિક રીતે કોંગ્રેસની છ બેઠકો ગુજરાતમાં ઓછી થાય. કોંગ્રેસ આટલી બેઠકો થર્ડ ફ્રન્ટને આપવા તૈયાર નથી. બીજી તરફ ભાજપ પણ બાપુના સહારે તેઓ ભાજપને થઈ રહેલા નુકસાનને અટકાવી શકે તેમ નથી. ભાજપને એક એવા ચહેરાની જરૂર હતી કે કોંગ્રેસ મતોનું વિભાજન કરી શકે, તેના માટે હાર્દિક પટેલ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. આ સંદર્ભમાં હાર્દિક પટેલની થર્ડ ફ્રન્ટના અનેક નેતાઓ સાથે મુલાકાત પણ થઈ છે. જો કે હાર્દિક જાહેરમાં તેનો ભલે ઈન્કાર કરતો હોય પરંતુ અમદાવાદમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ પણ હાર્દિક તેનો ઈન્કાર કરતો હતો.