(એજન્સી) તા.૨૬
કૈરાના પેટા ચૂંટણીમાં ભાજપને પરાજય નજરે પડી રહ્યો છે. હવે માત્ર કોમવાદી ધ્રુવીકરણ જ ભાજપને બચાવી શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેટા ચૂંટણી દરમિયાન ભાગ્યે જ ચૂંટણી પ્રચાર કરે છે પરંતુ કૈરાના લોકસભા મતક્ષેત્રની આગામી પેટા ચૂંટણીમાં ભાજપે હવે આ નિયમમાં અપવાદ કર્યો હોય એવું લાગે છે જે બતાવે છે કે ભાજપ આ બેઠક જીતવા માટે કેટલી હદે મરણિયો બન્યો છે.
મતદાનની પૂર્વ સંધ્યાએ ૨૭ મે,ના રોજ બાગપત ખાતે વડાપ્રધાન મોદી રોડશોનું આયોજન કરશે. બાગપત કૈરાનાથી માત્ર ૭૦ કિ.મી. દૂર છે. બાગપત અને કૈરાના બાજુ બાજુમાં આવેલ લોકસભા મતક્ષેત્રો છે. આથી તેમની બાગપત રેલીમાં કૈરાનાના મતદારો ભાગ લે તો નવાઇ નહીં. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હિંદુઓને સંગઠિત થવા અપીલ કરી છે એ વાત પણ બતાવે છે કે ભાજપ યેનકેન પ્રકારે આ ચૂંટણી જીતવા માગે છે. સચિન અને ગૌરવની હત્યા થઇ ત્યારે અખિલેશ યાદવ ક્યાં હતા ? જ્યારે ખોટા કેસો (હિંદુઓ વિરુદ્ધ) દાખલ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ ક્યાં હતા ? ભાજપ આવું ક્યારેય થવા દેશે નહીં પરંતુ આ લોકો (મુસ્લિમોને) ખુશ કરવાનું ક્યારેય બંધ નહીં કરે એવું ગુરુવારે યોજાયેલી રેલીમાં આદિત્યનાથે જણાવ્યું હતું. ચૂંટણી જીતવા માટે આદિત્યનાથના હવાતિયા પણ સમજી શકાય તેમ છે કારણ કે તેઓ આ વર્ષના આરંભે સમાજવાદી પક્ષ સામે પોતાની ગોરખપુરની બેઠક પર થયેલા કારમા પરાજયનો બદલો લેવા માગે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કૈરાના લોકસભા મતક્ષેત્રમાં આવેલ પાંચ વિધાનસભા બેઠકોમાંથી ચાર બેઠકો-નકુર, ગંગોહ, થાણાભવન અને સામલી બેઠકો પર ભાજપનો વિજય થયો હતો જ્યારે સપાનો માત્ર કૈરાના વિધાનસભા બેઠક પર વિજય થયો હતો જ્યાં નાહીદ હસને ભાજપને મિગાંકાસિંહને ૨૧૦૦૦ વોટથી પરાજય આપ્યો હતો. મિગાંકાસિંહ કૈરાનાના ભાજપના સાંસદ હુકુમસિંહના પુત્રી થાય છે. હુકુમસિંહનું ગઇ સાલ અવસાન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. બીજું આ બેઠક પર સામાજિક અંકગણિત પણ વિરોધ પક્ષના ઉમેદવારની વિરુદ્ધમાં છે. કૈરાનામાં કુલ ૧૭ લાખ મતદારોમાંથી ૫.૫ લાખ મુસ્લિમો, ૨.૫ લાખ દલિતો અને ૧.૫ લાખ જાટ મતદારોનો સમાવેશ થાય છે.