(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૮
જો કે કર્ણાટક વિધાનસભામાં રર૪ બેઠકો છે પણ ર બેઠકો ઉપર ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે જેથી કુલ સભ્ય સંખ્યા રરર છે. આમાંથી કુમારસ્વામી બે બેઠકો ઉપરથી ચૂંટાયા છે. જેથી એમનો એક જ મત ગણાશે. પ્રોટેપ સ્પીકરને મત ત્યારે જ આપવાનો થાય છે જ્યારે મતદાનમાં ટાઈ પડે. આ રીતે હવે રર૦ સભ્યો થાય છે જેમાંથી ભાજપને ૧૧૧ મતો જોઈએ. ભાજપ પાસે હાલ ૧૦૪ બેઠકો છે એમને ૭ બેઠકો ઓછી પડી રહી છે. ભાજપ પાસે હવે ર૪ કલાકથી પણ ઓછો સમય છે જેથી એ ગૃહમાં બહુમતી સાબિત કરી શકે અને ગૃહની સભ્ય સંખ્યા ઘટાડીને ર૦૬ કરી શકે જેથી ૧૦૪ બેઠકો સાથે સરકાર પોતાની મેળે બનાવી શકે. જો અપક્ષ સભ્યો કોંગ્રેસની તરફે મત આપે તો ભાજપને ૧૪ સભ્યો જોઈએ જે પક્ષ પલ્ટો કરે અથવા ગૃહમાં મતદાન વખતે ગેરહાજર રહે. કોંગ્રેસ અને જેડીએસે સુપ્રીમકોર્ટમાં ૧૧૬ સભ્યોની યાદી સાથે સોગંદનામું દાખલ કર્યું છે. જેમાંથી ૪ ધારાસભ્યોની સ્થિતિ સ્પષ્ટ નથી. બે અપક્ષો અને બે કોંગ્રેસના સભ્યો ભાજપ સાથે જોડાઈ શકે છે. જો આ ચાર ધારાસભ્યો પણ ભાજપ સાથે આવે તો પણ ભાજપને હજુ ૧૦ ધારાસભ્યોની જરૂર છે. ઓપરેશન ‘કમલ’ કર્ણાટકમાં પહેલી વખત ર૦૦૮માં ભાજપે હાથ ધર્યું હતું તે વખતે પણ ખંડિત પરિણામો આવ્યા હતા. ભાજપને ૧૧૦ બેઠકો મળી હતી અને ફકત ૩ જ બેઠકો ખૂટતી હતી. ચાર અપક્ષોએ ભાજપને સમર્થન આપવા જણાવ્યું હતું પણ ભાજપને વિશ્વાસ નહીં બેસતા એમણે નવી રમત રમી. એમણે કોંગ્રેસ અને જેડીએસના ૭ સભ્યોને રાજીનામું આપવા માટે મનાવી લીધા જેથી ગૃહમાં કુલ સભ્ય સંખ્યા જ ઘટી ગઈ અને સંખ્યા ર૧૮ની થઈ ગઈ જેથી ભાજપ પોતાના ૧૧૦ સભ્યોથી પોતે જ સરકાર બનાવી શકયો હતો. આ જ ફોર્મ્યુલા ભાજપ આજે પણ અપનાવી શકે છે. ભાજપાએ ૭ સભ્યોને પેટાચૂંટણીઓમાં પોતાના પક્ષ તરફથી ચૂંટાવ્યા હતા. પણ ૧૦ વર્ષ પહેલાંની અને હાલની પરિસ્થિતિ થોડી જુદી છે તે વખતે ભાજપને ૮ સભ્યો ઓછા છે અને અપક્ષો ફકત બે જ છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, ભાજપ છેવટે આ જ રમત રમશે એના સિવાય અન્ય કોઈ વિકલ્પ, નથી. કોંગ્રેસ જેડીએસના ૧૪ સભ્યોને ગૃહમાં મતદાન સમયે ગેરહાજર રાખવા અથવા એમને રાજીનામા અપાવવા.