માળિયામિંયાણા, તા.૨૦
માળિયામિંયાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપે ભગવો લહેરાવ્યો હતો. માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસના ૧૦માંથી ત્રણ સભ્યોએ ભાજપના સમર્થનમાં મતદાન કરતા અને એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે ભવ્ય વિજય મેળવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો. માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજયાબેન રમેશભાઈ રાઠોડ અને ધ્રુવકુમારસિંહ.ડી.જાડેજા ઉપપ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. આખરે ખરાખરીના જંગમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો હતો. આમ, છેલ્લી ઘડીએ રાજકીય સમીકરણો બદલાતા કોંગ્રેસે તાલુકા પંચાયતની સત્તા ગુમાવી હતી.