(એજન્સી) તા.૧૯
મધ્યપ્રદેશમાં અતિક્રમણ દૂર કરવાના મુદ્દા પર ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનાથસિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતુું કે, જો જનતા સાથે અન્યાય થયો તો રાજ્યના માર્ગો મુખ્યમંત્રી કમલનાથ અને મુખ્ય સચિવ એસ.આર.મોહાંતીના લોહીથી ખરડાઈ જશે. જ્યારે છ મહિના પછી નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના નેતાએ આ ધમકી ઉચ્ચારી છે. વાસ્તવમાં મધ્ય ભોપાલમાં ગુરૂવારે (૧૮ જુલાઈ)ના રોજ અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેના વિરોધમાં સુરેન્દ્રનાથે સ્થાનિકો સાથે મળી રોશનપુરા ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કમલનાથ સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્યે કહ્યું હતું કે જો અમારી માગણીઓ પૂરી કરવા નહીં આવે તો બધા જ માર્ગો લોહીથી ખરડાઈ જશે અને તે લોહી કમલનાથનું હશે. આટલું જ નહીં તેમણે વીજળીના વધતા જતાં ભાવો અને બિલોની વસૂલાત વિશે પણ ધમકી ઉચ્ચારી હતી. તેમણે લોકોને ઉશ્કેરતા કહ્યું હતું કે જે પણ વ્યક્તિ તમારી પાસે વધારે વીજળીનો બિલ વસૂલવા આવે તેની સાથે મારપીટ કરી તેને પાઠ ભણાવવામાં આવે. કોંગ્રેસના મીડિયા સેલ કો-ઓર્ડિનેટર નરેન્દ્ર સલૂજાએ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે પૂર્વ ભાજપ ધારાસભ્યની આ પ્રકારની નિવેદનબાજી અને ગુંડાગર્દી ભાજપની વાસ્તવિક પ્રકૃતિ દર્શાવે છે. સુરેન્દ્રનાથ સિંહની આ ધમકીના પગલે કોંગ્રેસના કાર્યકરોએ ભોપાલન ટીટીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સુરેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી હતી.