(એજન્સી) તા.ર૪
બંગાળ ભાજપના ઉપપ્રમુખ ચંદ્રકુમાર બોઝે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ સામે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારત બધા ધર્મો અને સમુદાયો માટે ખુલ્લું છે. તેમણે સોમવારે ટ્‌વીટ કર્યું હતું કે, જો # CAA ર૦૧૯ કોઈ ધર્મ સાથે સંબંધિત નથી તો પછી શા માટે આપણે એવું કહી રહ્યા છીએ કે ફકત હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને જૈન લોકોને જ નાગરિકતા આપવામાં આવશે તેમાં મુસ્લિમોને કેમ સામેલ કરવામાં આવ્યા નથી ? આપણે પારદર્શી બની જઈએ. ત્યારબાદના ટ્‌વીટમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજાના પુત્રએ કહ્યું હતું કે, ભારતની કોઈ બીજા દેશ સાથે સરખામણી ન કરો. એક દેશ તરીકે તે બધા ધર્મો અને સમુદાયો માટે ખુલ્લું છે. બોઝે આ પણ લખ્યું હતું કે, જો મુસ્લિમો સાથે તેમના દેશમાં અત્યાચાર નહીં થાય તો તે ભારતમાં આવશે જ નહીં. આ પરિસ્થિતિમાં તેમનું નામ સામેલ કરવામાં કોઈ નુકસાન નથી. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચી દલીલ નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેતા બલુચો ક્યાં જશે ?