નવી દિલ્હી, તા. ૨૫
પદ્માવતી ફિલ્મ અંગે ભાજપના નેતા સૂરજ પાલ આમુએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને નિશાને લેતા શૂપર્ણખાની યાદ અપાવી હતી. મમતા બેનરજી દ્વારા પદ્માવતીનું સમર્થન કરવા અંગે સૂરજપાલે મમતાને કહ્યું છે કે, શૂપર્ણખાનો હાલ શું થયો હતો તે યાદ રાખજો. ઉલ્લેખનીય છે કે, એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ પદ્માવતીનું સમર્થન કરતા કહ્યું હતું કે, તેઓ પશ્ચિમ બંગાળમાં પદ્માવતી દેખાડશે. ઉપરાંત પાકિસ્તાની કલાકારોનું સ્વાગત કરવા અંગે હરિયાણાના ભાજપના નેતા સૂરજ પાલે મમતા બેનરજીને ચેતવણી આપતા રામાયણનો કિસ્સો યાદ અપાવ્યો હતો. તેણએ કહ્યું કે, રાક્ષશી પ્રવૃત્તિની જે મહિલાઓ હોય છે જેમ કે, શૂપર્ણખા છે તેનો ઇલાજ લક્ષ્મણે નાક કાપીને કર્યો હતો. મમતા આ વાતને ન ભૂલે. હરિયાણાના સોહના વિસ્તારમાં સતી મંદિરમાં થયેલી મહાપંચાયત દરમિયાન પાલે આ ધમકી આપી હતી. મમતા બેનરજીએ શુક્રવારે બંગાળમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સંજય લીલા ભણસાલી અન્ય રાજ્યોમાં તેમની ફિલ્મ રીલિઝ ન કરી શકે તો તેઓ પોતાના રાજ્યમાં ખાસ વ્યવસ્થા કરી આપશે. અમે તેમનું ધ્યાન રાખીશું અને અમારા રાજ્યમાં સંજય લીલા ભણસાલી અને તેમની ટીમનું સ્વાગત છે. જેના પર ભાજપ નેતાએ તેમને રામાયણનો કિસ્સો યાદ અપાવ્યો હતો. શનિવારે ગુરગ્રામમાં ફિલ્મના વિરોધમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચેલા સૂરજ પાલ આમુએ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ નિશાને લીધી હતી. તેમણે કહ્યું કે, હું દીપિકાનો મોટો ફેન છું અને તેની ફિલ્મ એકલામાં જોવું છું. ધમકીભરીવાતો કરવા માટે જાણીતા સૂરજપાલે તાજેતરમાં જ સંજયલીલા ભણસાલી અને દીપિકા પાદુકોણના માથા વાઢી લાવનારને ૧૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. ત્યારબાદ પાર્ટીએ તેમને નોટિસ પણ જારી કરી હતી. જોકે, તેઓ સતત પોતાના વલણ પર જળવાઇ રહ્યા છે અને જેલમાં જવા માટે પણ તૈયાર છે તેમ કહ્યંુ છે. આ પહેલા કરણી સેનાએ પદ્માવતીનું નાક કાપી લેવા પણ ધમકી આપી હતી અને રણવીરસિંહના પગ તોડી નાખવા કહ્યું હતું. આ વિવાદ ત્યારથી શરૂ થયો છે જ્યારથી દેશના ઘણા ભાગોમાં પદ્માવતી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. આ ફિલ્મનો વિરોધ કરવા રાજસ્થાનના કેટલાક કિલ્લાઓમાં શૂટિંગ ન થવા દેવા માટે કિલ્લા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીને પત્ર લખી આ ફિલ્મમાંથી વિવાદાસ્પદ સીન્સ દૂર કર્યા બાદ જ તેને રિલીઝ કરવાની માગ કરી હતી.