(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
ભાજપના નેતાઓ સત્તાના મદમાં ગમે તેમ નિવેદનો કરવા માટે જાણીતા છે તો અમુક અગ્રણીઓ વિવાદાસ્પદ નિવેદનોને લઈ ચર્ચામાં રહેતા આવ્યા છે ત્યારે કેટલાક ભાજપના નેતાઓને તો તેઓ સભામંચ પરથી શું બોલી રહ્યા છે તેનું પણ ભાન પડતું ન હોય તેમ કંઈકને કંઈક બાફી મારતાં હોય છે. અગાઉ ભાજપના લવિંગજી ઠાકોર બાદ હવે આવું જ કંઈક ભાજપના ભરત બોઘરાએ જસદણ બેઠક માટે બોલતા બાફી માર્યું હતું. તેમણે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં જાહેરમંચ ઉપરથી જણાવ્યું હતું કે, જસદણ બેઠક પર કોંગ્રેસને રેકર્ડબ્રેક મત આપજો. તેમના આ નિર્ણયથી ભાજપ કાર્યકરો વગેરે ચોંકી ઊઠ્યા હતા.
જસદણની પેટા ચૂંટણીમાં જીત મેળવવી ભાજપ માટે પ્રતિષ્ટાનો પ્રશ્ન બની ગયો છે. આ માટે ભાજપ જમીન આસમાન એક કરી રહી છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી હોવાથી અહીં ભાજપે તેમના ઉમેદવાર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જીત અપાવવી સહેલી નથી. બીજી તરફ કુંવરજીભાઈને પક્ષ પલટા બાદ કેબિનેટ મંત્રી સુધીનું પદ મળી જતા બીજેપીના અનેક કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
આ માટે પેટા ચૂંટણીમાં બીજેપીના અમુક નેતાઓ કુંવરજી બાવળિયાને હરાવવા માટે પ્રયાસો કરે તેવો ડર પણ પક્ષને સતાવી રહ્યો છે. બીજી તરફ કુંવરજીનો પ્રચાર કરી રહેલા ભાજપના જ એક નેતા અને આ બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા ભરત બોઘરાએ કુંવરજીની હાજરીમાં જાહેર મંચ પરથી બાફી નાખતા કોંગ્રેસના રેકોર્ડબ્રેક મતો આપવાની વાત કહી હતી.