(એજન્સી) શ્રીનગર, તા.૩
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ શહેરમાં શંકાસ્પદ ત્રાસવાદીઓ દ્વારા ગુરૂવારે રાત્રે ભાજપના વરિષ્ઠ નેતા અનિલ પરિહાર (૫૨) અને તેમના ભાઇ અજીત પરિહાર (૫૫)ની હત્યા કરવામાં આવ્યા બાદ કરફ્યુ લાદવામાં આવ્યો છે. સેનાએ પણ શહેરમાં ફ્લેગ માર્ચ કરી છે. કિશ્તવાડ જિલ્લાના મેજિસ્ટ્રેટ અંગ્રેજસિંહ રાણાએ જણાવ્યું કે શહેરની સ્થિતિ તનાવપૂર્ણ પરંતુ કાબૂ હેઠળ છે. સેનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ફ્લેગ માર્ચ કરી છે. તેમણે કહ્યું કે કરફ્યુનો સખત રીતે અમલ કરવામાં આવી રહ્યો છે અને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગુરૂવારે મોડી રાત્રે કરફ્યુ લાદવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોઇ અનિચ્છનીય ઘટનાના કોઇ અહેવાલ મળ્યા નથી. કિશ્તવાડના એસએસપી રાજિંદર ગુપ્તાએ જણાવ્યું કે મામલામાં સંડોવાયેલા લોકોને શોધી કાઢવા માટે તપાસ કામગીરી ચાલુ છે. ભાજપના વરિષ્ઠ નેતા અનિલ પરિહાર અને તેમના ભાઇની હત્યા કરવામાં આવ્યા બાદ લોકોએ સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ શહેરમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું અને પલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે હિંસા ભડકવાની આશંકા વ્યક્ત કરી છે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી શકે છે.