(એજન્સી) જયપુર, તા. ૨૬
ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો દ્વારા સરકારી બંગલાઓ પર આજીવન કબજા સામે સુપ્રીમકોર્ટે આપેલા આદેશને ટાંકીને રાજસ્થાન ભાજપના બળવાખોર ધારાસભ્ય ઘનશ્યામ તિવારીએ રાજ્યના મુખ્યપ્રધાન વસુંધરા રાજે પાસેનો સરકારી બંગલો ખાલી કરવવાની માગણી કરી છે. તિવારીએ એવો આક્ષેપ કર્યો છે કે મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ઉપરાંત સરકારી બંગલા પર રાજેએ કબજો જમાવ્યો છે. તિવારીએ શુક્રવારે રાજભવન ખાતે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહને એક આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં તેમણે એવો આરોપ મૂક્યો છે કે વસુંધરા રાજેએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તરીકે અહીંના સિવિલ લાઇન વિસ્તારમાં આવેલા ૧૩ નંબરના બંગલા પર પોતાનો કબજો ચાલુ રાખીને તેમના વિશેષાધિકારનો દુરૂપયોગ કર્યો છે. વસુંધરા રાજે મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન બંગલા નંબર ૮ની સાથે બંગલા નંબર ૧૩નો પણ એકસાથે ઉપયોગ કરી રહ્યા છે. રાજભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તિવારીએ એવો દાવો કર્યો છે કે રાજ્યપાલે કહ્યું છે કે સુપ્રીમકોર્ટનો આદેશ આ ભૂમિનો કાયદો છે અને સમગ્ર દેશમાં લાગુ થાય છે. લખનઉમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તરીકે તેમને ફાળવવામાં આવેલો સરકારી બંગલો રાજ્યપાલે ખાલી કરી દીધો છે.