Ahmedabad

એકતા યાત્રામાં સરદારના રથનું સ્વાગત કરાશે પણ ભાજપના નેતાનો વિરોધ થશે

અમદાવાદ, તા.ર૦
ર૦૧૯ની ચૂંટણી આવે છે ત્યારે ભાજપ પાસે ચૂંટણી જીતવાનો કોઈ વિકલ્પ નથી. એટલે સરદારના નામે રાજકારણ કરીને તાયફાઓ કરવામાં આવે છે. સરદારની પ્રતિમાના અનાવરણ વખતે નર્મદા ડેમ ભરેલો લાગે એટલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ખેડૂતોને પાણી અપાતું નથી. જેને લીધે ખેડૂતો પરેશાન છે. જો કે, ૧૦ હજાર ગામડામાં ભાજપ અને સરકાર દ્વારા સરદાર રથ લઈને એકતા યાત્રા યોજાશે. ત્યારે સરદાર રથનું અમે દિલથી સ્વાગત કરીશું. પરંતુ તેની સાથે આવનારા ભાજપના નેતાઓનો અમે વિરોધ કરીશું. એમ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સભ્ય મનોજ પનારાએ જણાવ્યું હતું. પાસના મનોજ પનારાએ વધુમાં ઉમેર્યું હતું કે, તા.૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અનાવરણ કાર્યક્રમના કરશે. જેમાં સરદારના નામે તાયફા કરાશે ત્યારે સરકારના આ તાયફાના કાર્યક્રમની સામે અમે રચનાત્મક કાર્યક્રમ જૂનાગઢમાં કરીશું. તે દિવસે અમે પાસના હાર્દિક પટેલની આગેવાની જૂનાગઢના વંથલી ગામે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરીશું. જેમાં વડાપ્રધાનના કાર્યક્રમ કરતા વધારે ખેડૂતો હાજર રહેશે. આ કાર્યક્રમમાં ખેડૂતો પોતાની વ્યથા રજૂ કરશે. જો કે અમારા આ કાર્યક્રમ માટે સરકાર પરવાનગી આપે તેવી અમારી માગ છે. જો પરવાનગી નહીં આપે તો અમે એમ માનીશું કે સરકાર ખેડૂતોને સહાય તો દૂર રહી પણ તેમની વ્યથા પણ રજૂ કરવા દેવા માગતી નથી. એટલે પરવાનગી નહીં આપે તો સરકાર ખેડૂતો વિરોધી છે એ સાબિત થઈ જશે. વધુમાં પનારાએ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ અંતર્ગત જે સરદાર રથ ગામેગામ નીકળવાનો છે. તેનું અમે દિલથી સ્વાગત કરીશું. પરંતુ આ રથની સાથે ભાજપનો ખેસ પહેરીને રાજકારણ કરનારા નેતાઓને અમે ગામમાં પ્રવેશ આપીશું નહીં. જો કે સરદારના નામે સરકાર તાયફાઓ કરવા માટે સૌરાષ્ટ્ર સહિતના ખેડૂતો માટે નર્મદાનું પાણી છોડતી નથી. તેના લીધે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. જો કે સરદાર પટેલ તો ગરીબ ખેડૂતોના દામી હતી. ખેડૂતો સમૃદ્ધ થાય તેવું તેમનું સપનું હતું. પરંતુ આ સરકાર તો સરદારના નામે તાયફાઓ કરીને ખેડૂતોને પાણી પણ આપતી નથી. ત્યારે ચૂંટણીમાં જીતવા માટે ભાજપ સરકાર પાસે કોઈ વિકલ્પ નથી એટલે સરદારના નામનો ઉપયોગ કરીને રાજકારણ રમે છે. એમ મનોજ પનારાએ જણાવ્યું હતું.