ભાવનગર, તા.૩૦
ગુજરાતની સાથે ભાવનગરમાં પણ વિકાસ ગાંડો નહીં પણ લંગડો થયો છે અને ભાવનગરને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે તેથી આ વખતે ભાજપને ઘરભેગી કરી દેવાની છે. ભાજપને પાડી દેજો તેવો હૂંકાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ભાવનગર સરિતા સોસાયટી, વિસ્તારમાં સભાને સંબોધતા જણાવ્યું હતું. આ સભામાં પાટીદાર, ક્ષત્રિય, દલિત, બ્રાહ્મણ, મુસ્લિમ સહિતના આગેવાનોએ, અગ્રણીઓએ હાર્દિક પટેલનું સન્માન કર્યું હતું. ગઈકાલે રવિવારે મોડી સાંજે ભાવનગરમાં યોજાયેલી હાર્દિક પટેલની સભામાં હાર્દિક ભારે ખીલ્યો હતો અને ભાજપની રીતિનીતિને આડેહાથ લીધી હતી. જેમાં ખાસ કરીને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પાસના આગેવાનોને ધાક ધમકીઓ આપે છે. પાસના આગેવાનોના ઘરે કાર્યક્રમોમાં નહીં જવા અને કાર્યક્રમ નહીં યોજવા માટે ગુંડાઓ મોકલે છે તેમજ તાજેતરમાં જ જીતુ વાઘાણીએ બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરી કે જેમને હું રૂબરૂ મળ્યો હતો અને તેમની વ્યથા સાંભળી મને દુઃખ થયું છે. જીતુ વાઘાણીએ બુધેલ ગામના પૂર્વ સરપંચને કરોડો રૂપિયાની ગૌચરની જમીન બાબતે ખૂબ જ હેરાન પરેશાન કર્યા છે તેથી જ સમગ્ર ગુજરાતનો કારડિયા રાજપૂત સમાજ રોષે ભરાયો છે. જીતુ વાઘાણીની સામે રેલી મોરચા અને સભાઓ યોજાય છે. આ ઉપરાંત હાર્દિક પટેલે સભા સંબોધતા શરૂઆતમાં જ જણાવ્યું હતું કે, તમામને મારા નવા વર્ષની શુભેચ્છાઓ આપણું નવું વર્ષ સારૂ જાય પરંતુ અપશુકનિયાળને ફરી મત ન આપશો નહીંતર ફરી તમારા પાંચ વર્ષ બગડશે. ભાજપના નેતાઓએ છેલ્લા રર વર્ષમાં ભાવનગરની હાલત બદતર કરી નાખી છે. ભાવનગરમાં ક્રાઈમ રેટ વધ્યો છે. તમામ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ વખતે લોકોએ જ નિર્ણય લીધો છે કે, ભાજપને પાડી દો. ભાજપના નેતાઓ સામે તમારા વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ તેમ જ કરી દો અને બેનરો મૂકી દો કે ભાજપના નેતાઓએ આ વિસ્તારમાં ચૂંટણીના પ્રચાર માટે આવવું નહીં. આ ભાજપ સરકારે પાંચ વર્ષ મૂજરા સિવાય કશું કર્યું નથી. ધારાસભ્યો થયા એટલે ગાંધીનગરમાં બંગલો બને તે સિવાય કશું દેખાતું નથી. અત્યારે ભાજપના નેતાઓ મુંઝાયા છે. આ વખતે હિન્દુઓ અને મુસ્લિમોએ પણ જાગૃત થવાની જરૂર છે. કોઈ બહેકાવવામાં કે અફવાઓમાં આવવાની જરૂર નથી. કોઈ ભોળવાઈ જતા નહીં. આગામી ચૂંટણીમાં તમો ગાંઠિયા, ભજીયા કે ઢોકળામાં કે ઢોસામાં આવી જતા નહીં પૂરેપુરૂ મતદાન કરજો અને ભાજપને ભગાડો અને ભાજપને પાડી દો એટલી જ મારી અપીલ છે. તેવું હાર્દિક પટેલે સભામાં જણાવ્યું હતું.