(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગતરોજ ગુજરાતની મુલાકાત બાદ ર૪ કલાક પૂર્ણ થવા પહેલાં જ ગુજરાતના ભાજપના પ્રથમ હરોળના અગ્રણી નેતાઓને દિલ્હીનું તેડું આવતા અનેક તર્ક-વિતર્કો શરૂ થઈ જવા પામેલ છે. મુખ્યમંત્રી રૂપાણી, ડે.સીએમ. નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ આજે સાંજે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બોલાવેલી બેઠકમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણી અને સંગઠનને લઈને આ બેઠક બોલાવાઈ હોવાનું તેમજ ગતરોજની વડાપ્રધાનની મુલાકાત બાદ અહીંની જોવા મળેલી સ્થિતિને લઈને ગુજરાતના નેતાઓને બોલાવ્યા હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત રહી છે. વડાપ્રધાનની મુલાકાતના બીજા જ દિવસે આ પ્રકારે મુખ્યમંત્રી સહિતના અગ્રણી નેતાઓને એકાએક દિલ્હીથી તેડું આવતા રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. ગતરોજ વડાપ્રધાનના કાર્યક્રમોમાં લોકોની હાજરી, આયોજન વગેરે ઉપરાંત લોકસભાની ચૂંટણી અગાઉ હાલમાં રાજ્યમાં ભાજપની સ્થિતિ અંગે વડાપ્રધાનને મળેલી વિગતોને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના અગ્રણી નેતાઓને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા જોરશોરમાં થઈ રહી છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણી તેમજ સંગઠન મુદ્દે અમિત શાહે ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા કરવા બોલાવ્યા હોવાની વિગતો પણ સૂત્રો જણાવી રહ્યા છે. ર૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપને રાજ્યની તમામ ર૬ બેઠકો પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક પાર પાડવાનો તો દૂર બલ્કે કેટલીક બેઠકો પણ ગુમાવવી પડે તેવી સ્થિતિને લઈ ભાજપ હાઈકમાન્ડ દ્વારા હમણાંથી જ આયોજનબદ્ધ રીતે આગળ વધવા માઈક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. પુનઃ ર૬ બેઠકો હાંસલ કરવા અથવા તો બહુ ઓછી જૂજ બેઠકો જ હાથમાંથી જાય તે તેવા ગણિત સાથે સ્ટ્રેટેજી ઘડાઈ રહી છે જેને લઈને આજે દિલ્હીમાં અતિ અગત્યની બેઠક યોજાઈ હોવાનું અને તેના માટે જ ગુજરાતમાંથી મુખ્યમંત્રી-ના.મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ તથા સંગઠનના હોદ્દેદારો ભીખુભાઈ દલસાણિયા, આઈ.કે. જાડેજા તેમજ કેન્દ્રીય કેબિનેટના ગુજરાતના મંત્રીઓ વગેરે સાથે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં ભાગ લેવા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી વડનગરમાં યોજાયેલી પ્રદેશ કારોબારીની બેઠક પણ છોડીને દિલ્હી રવાના થયા હતા. આગામી લોકસભાની ચૂંટણી અંગે અમિત શાહ દ્વારા માર્ગદર્શન અપાય તેવી સંભાવના છે તો રાજ્યમાં હાલની ભાજપની સ્થિતિ અંગે વિગતો મેળવવા સાથે ચર્ચા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. જો કે બેઠક અંગેની ખરી હકીકતો તો ગુજરાતના નેતાઓ પરત આવીને જ જણાવી શકે તેમ હોઈ હાલમાં સસ્પેન્સ જળવાયેલ છે.