(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ પાટીદાર, દલિત સહિતના નારાજ વર્ગને મનાવી લેવાના શાસક ભાજપ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે .જેના ભાગરૂપે જ પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે તાજેતરમાં બેઠક કરી સમાધાનરૂપી નિર્ણયોની જાહેરાત કરાઈ હતી. તેમ છતાં પણ હાર્દિક પટેલ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવતા હવે ભાજપે હાર્દિક પટેલને એકલો પાડી દઈ પાટીદાર સમાજને એક કરી પોતાની તરફ વાળવા માટેની વિશેષ રણનીતિ ઘડી કાઢી તે મુજબ જ આગળ વધી રહ્યા છે. આ માટે ખાનગી બેઠકોનો દોર પણ હાથ ધરી દેવાયો છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસે પણ આ ચૂંટણીમાં જીત સાથે સત્તા હાંસલ કરવા પાટીદાર કાર્ડની સાથે સાથે દલિત-ઓબીસી કાર્ડ પણ ખેલવાનું નક્કી કરી તેઓ માટે અમુક બેઠકો નક્કી કરી તેમાં આગળ વધવાની રણનીતિ અખત્યાર કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં બરોબરના લાગી પડ્યા છે.
ચૂંટણી પહેલાં જ ભાજપ-કોંગ્રેસે વિવિધ મતબેન્કો પર કબજો જમાવવા પ્રયત્નો હાથ ધર્યા છે. અત્યારે ગુજરાતમાં એન્ટી ઈન્કબન્સીનો માહોલ છે તેનો લાભ લઈ કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલવાનું નક્કી કર્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાટીદારોને ખુશ કરવાના મૂડમાં છે. સૌરાષ્ટ્રમાં રોડ શો વખતે રાહુલ ગાંધીએ ખોડલધામના પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે ખાનગી બેઠક યોજી હતી. અત્યાર સુધી કોંગ્રેસે પાટીદારોને ૪૦ બેઠકો આપવા નક્કી કર્યું હતું. પણ હવે પાટીદાર કોંગ્રેસી આગેવાનોને કુલ મળીને બાવન બેઠકો આપવા રાજકીય દબાણ કર્યું છે. જેને પગલે કોંગ્રેસી નેતાઓએ હાર્દિક પટેલ, નરેશ પટેલ સહિતના પાટીદાર આગેવાનોને મનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. આ દિશામાં બેઠકો હાથ ધરવા સાથે પાટીદાર ઉમેદવારો ફાઈનલ કરવાની મથામણ પણ કોંગ્રેસે આદરી છે.
એક તરફ કોંગ્રેસ પાટીદાર-ઓબીસી મતો અંકે કરવા પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ ભાજપે હાર્દિકને એકલો પાડવાની રણનીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે અનામત આંદોલન ઠારવા પાસના પ૦ કન્વીનરોની ખાનગી તપાસ કરીને દુખતી નસ પર હાથ મૂકી દીધો હોવાની વિગતો સાંપડી છે. જેને પગલે હાર્દિક પટેલના નજીકના સાથીદારો હવે ભાજપની તરફેણ કરતા થયા છે. સવર્ણ આયોગમાં રૂા.૬૦૦ કરોડ નહીં. વધુ આપો એવી માગણી કરીને લોલીપોપ શબ્દ વાપરવાનું પણ હવે તેઓએ બંધ કરી
દીધું છે.
કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યું છે તો બીજી તરફ, ભાજપે પણ પાટીદારોને મનાવવામાં જરાયે કસર છોડી નથી. પેજપ્રમુખના સંમેલન માટે અમદાવાદ આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની પાટીદાર કોર કમિટીના અગ્રણીઓની સાથે બેઠક મળી હોવાની વિગતો પણ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. આ બેઠકમાં એવી રજૂઆત કરાઈ હતી કે, ગુજરાત સવર્ણ આયોગમાં રૂા.૬૦૦ કરોડના પેકેજથી કામ નહીં ચાલે, વધુ રકમ આપવી જોઈએ. આ ઉપરાંત પાટીદાર આંદોલન વખતે મૃત્યુ પામેલા પાટીદાર યુવાઓના પરિવારને પાટીદાર સંસ્થાઓ રૂા.ર૦ લાખની સહાય ચૂકવશે. અમિત શાહે પાટીદાર કોર કમિટીને તમામ રીતે મદદરૂપ થવા ખાતરી આપી હોવાની વિગતો જાણવા મળી છે. આમ એકંદરે ભાજપ હવે ગમે તેમ કરીને પણ પાટીદારોને મનાવી લેવા બરોબરનું મથી રહ્યું છે.