(એજન્સી) જયપુર, તા.ર૬
રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા રાજ્યમાં જુદી-જુદી જાતિઓ સાથે જોડાયેલા સંગઠન રાજકીય દળો સાથે ચૂંટણીમાં પોતાના સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવા લાગ્યા છે. આ જ ક્રમમાં બ્રાહ્મણ સમાજ સાથે જોડાયેલા સંગઠન વિપ્ર ફાઉન્ડેશને ગુરૂવારે (રપ ઓકટોબર) જયપુરમાં એક બેઠક યોજી અને સત્તાધારી ભાજપ સહિત વિપક્ષી કોંગ્રેસને ૧૪ સૂત્રી માંગ પર સોંપ્યુ હતું. બ્રાહ્મણ સમુદાયની માંગ છે કે બંને પાર્ટીઓ તેમના સમુદાયના લોકોને ૪૦-૪૦ બેઠકો પર ઉમેદવાર બનાવે તે ઉપરાંત આર્થિક આધાર પર ૧૪ ટકા અનામત, બઢતીમાંથી અનામત હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. રાજસ્થાનના રાજકારણમાં બ્રાહ્મણ સમાજની ભૂમિકા વિષય પર આયોજિત કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સંસ્થાપક સુશીલ ઓઝાએ જણાવ્યું કે રાજ્યમાં ૧૪.૭પ ટકા વસ્તી બ્રાહ્મણોની છે એટલે કુલ ૯૦ લાખ વસ્તી આ સમાજની છે.
ઓઝા અનુસાર રાજસ્થાનની પ્રથમ વિધાનસભામાં બ્રાહ્મણ હતા જે હવે ઘટીને ૧૩ રહી ગયા છે. રાજ્યના ચાર-ચાર બ્રાહ્મણ મુખ્યમંત્રી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના કુલ પ૩ એવી વિધાનસભા બેઠકો છે જ્યાં બ્રાહ્મણ મતદારોની સંખ્યા રપથી પપ હજારની વચ્ચે છે. તે ઉપરાંત ૧૦ વિધાનસભા વિસ્તારોમાં તો આ સમાજના ૩૦થી ૮૦ હજાર મતદાતા છે. ફાઉન્ડેશને પરશુરામ યુનિવર્સિટીની સ્થાપના અને ખોટો કેસ દાખલ કરનારાઓની વિરૂદ્ધ કાર્યવાહીની પણ માંગ કરી છે. ત્યાં રાજપૂત સમાજ સાથે જોડાયેલા સંગઠન કરણીસેનાએ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખતા ર૭ ઓકટોમ્બરે હુંકાર રેલીનું આયોજન કર્યું છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું કે જો રાજકીય પાર્ટીઓ રાજપૂત સમાજને ટિકિટ વિતરણમાં યોગ્ય પ્રતિનિધિત્વ નહીં કરે તો સમાજના મતદાતા તે પાર્ટીને સમર્થન આપવા અથવા નહી આપવા પર વિચાર કરશે. સિંધી સમાજે પણ યોગ્ય પ્રતિનિધિત્વ ના મળવા પર નોટા બટન દબાવવાની ચેતવણી આપી છે.