અમદાવાદ, તા.૧૭
‘‘શ્રી કમલમ’’ કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોની પસંદગી અને નિરીક્ષકો દ્વારા આવનારા અહેવાલો પર સમીક્ષા માટે ર૧ ઓક્ટોબરે ભાઈબીજના દિવસે બપોરે ૩ઃ૦૦ કલાકે અડાલજ પાસે આવેલ શાંતિનિકેતન ખાતે ભાજપાની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો પ્રારંભ થશે. ર૧ ઓક્ટોબરથી ર૬ ઓક્ટોબર સતત છ દિવસ સુધી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક ચાલશે. રરથી ર૬ ઓક્ટોબર સુધી આ બેઠક રોજ સવારે ૯ઃ૩૦ કલાકે પ્રારંભ થશે. પ્રદેશ ચૂંટણી સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ર૧ અને રર ઓક્ટોબરે ઉત્તર ઝોનની વિધાનસભા બેઠકો, ર૩ ઓક્ટોબરે દક્ષિણ ઝોનની વિધાનસભા બેઠકો, ર૪ અને રપ ઓક્ટોબરના રોજ મધ્ય ઝોનની બેઠકો અને ર૬ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકોની સમીક્ષા નિરીક્ષકો અને જે તે જિલ્લાના અપેક્ષિત આગેવાનો સાથે હાથ ધરાશે. ર૦ સપ્ટેમ્બરથી ર૪ સપ્ટેમ્બર દરમિયાન ભાજપા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ત્રણ નિરીક્ષકોએ જુદા જુદા જિલ્લાઓ અને મહાનગરોની મુલાકાત લઈને કાર્યકરોને, શુભેચ્છકોને મળીને ઉમેદવારો અંગેની રજૂઆતો પ્રાપ્ત કરીને અહેવાલ તૈયાર કર્યો છે. જિલ્લા/મહાનગરમાં સંકલન બેઠકો કરીને પોતાની જે તે વિધાનસભા બેઠક સંદર્ભમાં વિસ્તૃત નોંધ તૈયાર કરી છે. વિધાનસભાની આ નોંધ પર પ્રદેશ ચૂંટણી સમિતિ આ છ દિવસ દરમિયાન ચર્ચા-વિચારણા હાથ ધરાશે. પ્રદેશ ચૂંટણી સમિતિ પોતાને મળેલ દરખાસ્તો, અહેવાલ અને વિશેષ સૂચનાઓના આધારે રાજ્યની ૧૮ર વિધાનસભા બેઠકોના અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આખરી મંજૂરી આપશે ત્યારબાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.