(એજન્સી) તા.૨૫
બહુમતી માટે જરુરી આંકડો હાંસલ કરવામાં નિષ્ફળતા ઉપરાંત ભાજપની નેતાગીરીને હવે ચિંતા એ વાતની છે કે કર્ણાટકમાં જે ફટકો પડ્યો છે તેના કારણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હરાવવાના મકસદથી વિવિધ વિરોધ પક્ષો સંગઠિત થવા પ્રેરાશે. કર્ણાટકમાં જ ભાજપને હવે સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ અને જનતાદળ-એસનું ગઠબંધન થવાની શક્યતા દેખાઇ રહી છે. ભાજપના અંદરના વર્તુળોએ એકરાર કર્યો છે કે જો બંને પક્ષોના પ્રતિબદ્ધ સામાજિક જનાધાર દક્ષિણના આ રાજ્યમાં સંગઠિત થશે તો ભાજપનો સફાયો થઇ શકે છે. શનિવારે નવી દિલ્હીમાં ભાજપ વડા મથક ખાતે ટીવી ચેનલ પર બીએસ યેદિયુરપ્પાના રાજીનામાના સમાચારો ચિંતા સાથે નિહાળ્યા હતા અને મમતા બેનરજી, માયાવતી, અખિલેશ યાદવ અને ચંદ્રાબાબુ નાયડુ જેવા વિરોધ પક્ષના નેતાઓએ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના વિજયની ઉજવણી કરી હતી. જ્યારે ભાજપના એક નેતાને પૂછવામાં આવ્યું કે કર્ણાટકના પરિણામો રાષ્ટ્રીય રાજનીતિને કઇ રીતે પ્રભાવિત કરશે ત્યારે તેમણે જણાવ્યું હતું કે કર્ણાટકમાં અમારા પરાજયથી ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને હરાવી શકાશે એવી માન્યતા વધુ મજબૂત થશે. આ પરિણામો વિરોધ પક્ષોની એકતા માટે ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. ભાજપના નેતાઓએ એ વાતનો પણ એકરાર કર્યો છે કે જો કોંગ્રેસ અને જેડીએસ સંગઠિત થશે તો કર્ણાટકમા ંભાજપને ૨૮માંથી ૬ બેઠકો મળશે અને તેની સામે ૨૦૧૪માં તેને પ્રાપ્ત થયેલ ૧૭ બેઠકોમાંથી ધરખમ ઘાટાડો થશે. નેતાઓનું માનવું છે કે કોંગ્રેસ-જેડીએસ સરકાર લાંબી ચાલે નહીં તે માટે ભાજપે અત્યારથી જ કામ શરુ કરી દેવું પડશે અને ૨૦૧૯માં ભાગીદારો વચ્ચે ચૂંટણી ગઠબંધન ન થાય તે પણ સુનિશ્ચિત કરવું પડશે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે આપણે કોંગ્રેસ-જેડીએસ સરકારને અસ્થિર કરવા પ્રયાસ કરવો પડશે કે જેથી ૨૦૧૯ પહેલા તેનું પતન સુનિશ્ચિત થાય. નેતાઓએ એવો પણ સંકેત આપ્યો છે કે ભાજપે જેડીએસ સાથે ડીલ કરવી જોઇએ. એ જ રીતે તાજેતરની ગોરખપુર, ફુલપુરની લોકસભાની પેટા ચૂંટણીમાં જોવા મળ્યું હતું તેમ જો ઉ.પ્ર.માં બસપા અને સપા એકત્ર થશે તો શાસક પક્ષને કારમો ફટકો પડશે.