(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીનું રાજીનામું માગ્યા બાદ રાહુલ ગાંધી પર ભાજપે તરત જ વળતો પ્રહાર કર્યો હતો જેમાં તેમણે વિજય માલ્યા સાથે જેટલીની મુલાકાતનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કહ્યું કે, ભાગેડુ ઉદ્યોગપતિ એક અપરાધી છે અને તેના શબ્દોને ગંભીરતાથી લેવા જોઇએ નહીં. એક પત્રકાર પરિષદમાં પિયુષ ગોયલે રાહુલ ગાંધીને રાજીનામું આપવાનું કહ્યુ કારણ કે તેમના પરિવારના માલ્યા સાથે સંબંધ હતા, ભાગેડુ ઉદ્યોગપતિની લોન યુપીએ સરકારના ગાળામાં બેંકો દ્વારા મંજૂર કરાવાઇ હતી અને નિયમોને નેવે મુકાયા હતા. ગોયલે કહ્યું કે, માલ્યા અને તેમના પરિવાર વચ્ચે શું સંબંધ છે તેનો જવાબ રાહુલ ગાંધીએ આપવો જોઇએ. તેમણે ઉમેર્યું કે, હવે બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સને નિયમો અને કાયદાઓનો ભંગ કરી લોન આપવામાં આવી હતી. ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધી હાલ જે પદો પર છે તે તમામ પદો પરથી રાજીનામું આપી દેવું જોઇએ. કાનુની ચમક હેઠળ માલ્યા જે બોલ્યો છે તેની કોઇ વિશ્વસનિયતા નથી અન તે અપરાધી છે. તેને ગંભીર રીતે લઇ ન શકાય. બુધવારે શરાબ કારોબારી વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે, લંડન જતા પહેલા તે અરૂણ જેટલીને મળ્યો હતો. જોકે, બાદમાં જેટલીએ માલ્યાના દાવાને ફગાવ્યો હતો.