અમરેલી,તા.ર૮
કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝ દ્વારા સરદાર પટેલ ઉપર કરવામાં આવેલ અશોભનીય નિવેદનના વિરોધમાં આજરોજ અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવેલ હતું કે ભારત દેશમાં સરદાર પટેલે પ૬ર રાજા રજવાડાઓએ એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું છતા સરદાર પટેલનું વારંવાર અપમાન કરતી આ કોંગ્રેસ પાર્ટી દ્વારા હજુ પણ તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. જયારે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે બહુમત લોકો સરદાર પટેલની તરફેણ કરતા હતા ત્યારે પણ કોંગ્રેસે જવાહરલાલ નહેરૂને દેશના વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કરેલ અને જેથી આ દેશની તમામ જનતા આશ્ચર્ય પામી હતી અને સરદાર પટેલ આ અપમાનનો ઘુંટડો હસતા મોઢે પી ગયા હતા છતાં કોંગ્રેસ પાર્ટી લાજવાને બદલે આવા અશોભનીય નિવેદનો કરી ગાજી રહી છે.