અમદાવાદ, તા.ર૮
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે જોતાં દરેક પક્ષ મતદારોને રીઝવવાની કામગીરી કરી રહ્યો છે ત્યારે પાટીદારો વિમુખ થતાં તેમની ખોટ પૂરવા ભાજપના અમદાવાદ દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમના પટેલે અમદાવાદમાં બોલાવેલું બક્ષીપંચ સંમેલન નિષ્ફળ રહ્યું છે. જ્યારે સંમેલનમાં મોટાભાગની ખુરશીઓ ખાલી રહેતાં ભાજપા માટે ચિંતાનો વિષય બન્યો છે.
રાહુલ ગાંધીના ત્રણ દિવસીય પ્રવાસમાં સૌરાષ્ટ્રમાં તેમને મળેલા પ્રચંડ પ્રતિસાદને જોતાં ભાજપા પણ હવે હરકતમાં આવી છે ત્યારે ભાજપના દસક્રોઈ વિસ્તારાના ધારાસભ્ય બાબુ જમના પટેલે બોલાવેલું બક્ષીપંચ સંમેનલ નિષ્ફળ રહ્યું હોવાની માહિતી આધારભૂત સૂત્રો પાસેથી સાંપડી છે સંમેલનના સ્થળે અનેક ખુરશીઓ ખાલી રહી હતી. કેટલાક દિવસો અગાઉ ભાજપે ખેડાના ફાગવેલમાં બક્ષીપંચ સંમેલન બોલાવેલું જેમાં ધારી સફળતા મળી નહતી અને ખર્ચ પણ માથે પડ્યું હતું. ત્યારે દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય અને રૂપાણી સરકારના સંસદીય સચિવ પ્રધાન બાબુ જમના પટેલે પણ એ જ ભૂલ કરીને બક્ષીપંચના લોકોને રિઝવવા અમદાવાદમાં બક્ષીપંચનું સંમેલન બોલાવેલું તે સદંતર નિષ્ફળ રહ્યું છે. જ્યારે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફાગવેલથી પ્રચાર યાત્રા કાઢી હતી. જો કે તેમના જેવી સફળતા શાહને મળી નહતી. તે જોયું હોવા છતાં બાબુ જમના પટેલે અમદાવાદમાં બક્ષીપંચ સંમેલન યોજાયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનેક લોકોને પૈસા આપી સંમેલનમાં આવવા કહેવાની ચર્ચાઓ થઈ રહી છે. છતાં લોકો સંમેલનમાં આવ્યા નહતા અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દસક્રોઈ મતવિસ્તારમાં લોકોએ રેલી યોજી બાબુ જમનાને ચૂંટણીમાં ટિકિટ ન ફાળવવા દેખાવો કર્યા હતા. આમ લોકો નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.