(એજન્સી) મુંબઈ, તા.૧૮
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ખાર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપની પર ચૂંટણી પંચે દરોડો પાડી કરોડો રૂપિયાની ભાજપની પ્રચાર સામગ્રી જપ્ત કરી હતી. ત્યારબાદ ખાર પોલીસ મથકે કંપની સામે કેસ દાખલ કર્યો હતો. જે યુનાઈટેડ ફોસફોરસ લિ. કંપનીમાંથી પ્રચાર સામગ્રી જપ્ત કરાઈ છે તે કંપની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ભાઈની છે. તેઓ કંપનીના નિર્દેશક છે. જેમને ભાજપના નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. કોંગ્રેસ નેતાના ઈશારે ૯ એપ્રિલે દરોડા પડાયા હતા જેમાં ભાજપની પ્રચાર સામગ્રી જપ્ત કરાઈ હતી. જેમાં સર્જિકલ સ્ટ્રાઈક, વાયુસેના તેમજ ભારતીય વાયુસેનાના નામનો પણ ઉપયોગ કરાયો છે. છાપામારી દરમિયાન જપ્ત કરાયેલ એક પત્રિકામાં વડાપ્રધાન મોદીની તસવીર સાથે એક ડિવાઈસ લગાવેલ પણ મળ્યું. જેમાં વડાપ્રધાન મોદીનો અવાજ આપે છે. જે સેનાના શૌર્ય અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકના નામે લોકોને વોટ આપવાની અપીલ કરે છે તે દરમિયાન ખાસ પ્રકારના હજારો ઈલેક્ટ્રોનિક કાર્ડ પણ જપ્ત કરાયા. જેમાં વડાપ્રધાન મોદીના અવાજમાં ચૂંટણી સંદેશ રેકોર્ડ છે. ચૂંટણી પંચ દ્વારા જપ્ત કરાયેલ પ્રચાર સામગ્રીની કિંમત ૬ કરોડ અંકાય છે. જપ્ત સામગ્રીમાં પ્રકાશકનું નામ નથી. તે બધા પર નરેન્દ્ર મોદી અને બીજા ભાજપના નેતાઓની તસવીરો અને કમળનું નિશાન છપાયું છે. જે કંપનીમાંથી આ પ્રચાર સામગ્રી જપ્ત કરાઈ તેનું કોઈ સ્થળે રજિસ્ટ્રેશન નથી કરાયું. તેમજ ચૂંટણી પંચને જાણકારી પણ ન હતી. ખાસ વાત એ છે કે, જે યુનાઈટેડ ફોસફોરસ લિ. કંપનીમાંથી કરોડો રૂપિયાની પ્રચાર સામગ્રી જપ્ત કરાઈ તે કંપનીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ભાઈ નિર્દેશક છે. કંપની ગોયલના ભાઈની છે. જેની હજુ પૃષ્ટિ થઈ નથી. તે કારણે કંપનીના માલિકના ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે સીધો ઘનિષ્ઠ સંબંધ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ અને પ્રવક્તા સચિન સાવંતને આ કંપનીમાં કરોડો રૂપિયાની ભાજપની પ્રચાર સામગ્રીનો પત્તો લાગ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચને જાણકારી આપી હતી. ચૂંટણી પંચે કંપની પર દરોડો પાડ્યો હતો. ભાજપે લોકતંત્રની હાંસી ઉડાવી છે. મુંબઈમાં કરોડોની ભાજપની પ્રચાર સામગ્રી જપ્ત કરાઈ. દેશભરમાં કેટલી હશે ? તેવો સાવંતે સવાલ કર્યો છે. જે દફતરમાં દરોડો પડાયો તે ભાજપના પ્રચાર માટે એક કોલ સેન્ટરની માફક કામ કરી રહ્યું હતું. તેઓ લોકોને કોલ કરી વડાપ્રધાન મોદી અને સર્જિકલ સ્ટ્રાઈકવાળી રેકોર્ડિંગ સંભળાવતા હતા. જ્યાં પ૦ લોકો કામ કરતા હતા. તેમજ લોકોને ખાસ પત્રિકા પોસ્ટ કરાતી હતી. આ મામલે કેસ દાખલ થયો છે. હવે ચૂંટણી પંચ શું પગલાં ભરે છે તે જોવાનું છે. કારણ કે આ મુદ્દો આચારસંહિતાના ઉલ્લંઘનનો સામાન્ય મુદ્દો નથી. ચૂંટણી પંચે તમામ રાજનીતિક પાર્ટીઓને સેનાના નામ પર રાજનીતિ ન કરવા કડક આદેશ આપ્યો હતો. તેમજ બાલાકોટ એર સ્ટ્રાઈકનો મુદ્દો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ નહીં કરવા જણાવ્યું હતું. છતાં દેશભરમાં ભાજપના નેતાઓ એર સ્ટ્રાઈક અને સેનાના નામનો લગાતાર ઉપયોગ કરી રહ્યા છે.