(સંવાદદાતા દ્વારા) વેરાવળ,તા.૧૧
વેરાવળ-પાટણ નગરપાલિકામાં મહિલા પ્રમુખના અઘ્યક્ષસ્થાને યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં સત્તાધારી ભાજપનું ઘર સળગ્યુ હોય. તેમ ભાજપના એક નગરસેવકે પ્રજાલક્ષી કામ ન કરી શકતો હોવાનો આક્ષેપ કરી ભાજપને અલવિદા કહી અધવચ્ચે સભા છોડી ચાલતી પકડી હતી. તો શહેરમાં નિર્માણાધીન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની પાછળ ગેરકાયદે રસ્તો રાખવા મુદ્દે ભાજપના ઉપપ્રમુખના હઠાગ્રહ સામે ભાજપના જ નગરસેવકો સહિત વિપક્ષના સભ્યોએ ઉગ્ર વિરોઘ નોંધાવતા તે ઠરાવ મુલત્વી રાખવાની સતાધારી ભાજપને ફરજ પડી હતી.
વેરાવળ-પાટણ નગરપાલિકાના સભાખંડમાં આજે સાંજે મહિલા પ્રમુખ મંજુલાબેન સુયાણીની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડા મુજબના ૩૫ ઠરાવો પૈકી ૩૪ ઠરાવો સર્વાનુમતે મંજૂર થયા હતા. જે પૈકીનો એજન્ડા નં.૨ વિવિઘ સમિતિઓની રચના કરવાના મુદ્દાને સભાના અંતે રજૂ કરી ચેરમેનના નામોની જાહેરાત સમયે જ ભાજપના આંતરીક વિખવાદો સપાટી પર આવ્યા હોય તેમ વોર્ડ નં.૭ના ભાજપના નગરસેવક દેવેન્દ્ર મોતીવરસની સેનીટેશનના ચેરમેન તરીકેની જાહેરાત થતાની સાથે જ તેણે વિરોઘ નોંધાવી પોતે આ સમિતિના અઘ્યક્ષપદનો ચાલું સભાએ અસ્વીકાર કરી ચાલતી પકડેલ ત્યારે ઉપસ્થતિ મીડિયા સમક્ષ આ શાસનમાં પોતે પ્રજાહિતના કામો કરી શકતા ન હોય. તેવો અફસોસ વ્યકત કરી ભાજપમાંથી રાજીનામું આપવાની વાત ઉચ્ચારતા એક તબકકે સામાન્ય સભામાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ બનેલ શહેરની મઘ્ય નિર્માણાધીન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની પાછળના ભાગે ગેરકાયદેસર રસ્તો ખુલ્લો મુકવા બાબતે કોન્ટ્રાકટરને બ્રાઉન્ડીનું કામ અટકાવવા નોટિસો આપવામાં આવેલ હતી. જેના પગલે મામલો ગરમાયો હોય. તેમ ઉપપ્રમુખ કિશોર સામાણીની ગેરવ્યાજબી માંગમાં ભાજપના જ મોટાભાગના નગરસેવકોમાં નારાજગી સાથે અસંતોષ જોવા મળેલ હતો. આજે જ્યારે સામાન્ય સભામાં એજન્ડા બહાર અઘ્યક્ષસ્થાનેથી આ મુદ્દો રજૂ કરાવી રસ્તો રાખવા બાબતે બોર્ડની મંજૂરી માટે મુકાતા ભડકો થયો હોય તેમ ભાજપના જ ચારેક નગરસેવકોએ ઉભા થઇ ખુલ્લો વિરોધ દર્શાવી અન્ય સભ્યોને વિરોધ કરવા અપીલ કરી હતી. તો આ ઠરાવ મુદે વિપક્ષ કોંગીના અનવરભાઇ પટેલ, ગુલામખાન સહિતના હાજર તમામ નગરસેવકોએ આક્રોશ સાથે ઉગ્ર વિરોધ દર્શાવતા પૂર્વપ્રમુખ જગદીશ ફોંફડીએ દરમ્યાનગીરી કરતા ઉપસ્થતિ સભ્યોએ તેમની વાતનો ઉધડી લીધેલ અને આખરે વિરોધ વધતા ઠરાવને મોકુફ રાખવામાં આવેલ હતો.
આગામી દિવસોમાં સત્તાધારી ભાજપના વધુ પાંચથી સાત સભ્યો રાજીનામા ધરશે તેવી શહેરભરમાં ચર્ચાઓ ઉઠી છે.