(એજન્સી) નવી દિલ્હી, તા.૮
શનિવારે ગુજરાત વિધાનસભાની પહેલાં તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. તેની પૂર્વસંધ્યાએ એટલે કે છેલ્લી ઘડીએ ભાજપે તેનો ઢંઢેરો બહાર પાડ્યો છે. તેની પાછળનો હેતુ શું છે ?
ગત રાતથી સોશિયલ મીડિયા પર ખૂબ જ તીવ્રતાથી આ મુદ્દે આપ-લે થઈ રહી છે.
અગાઉ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર નહીં પડાતાં વ્યાપક ઝાટકણી કાઢી કહ્યું હતું કે, આ ગુજરાતની પ્રજાનું અપમાન છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે ગુજરાતની પ્રજાનું ન માની શકાય તેવું અપમાન કર્યું છે. પ્રચાર અભિયાન પૂરું થવા આવ્યું છે. છતાં ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ નથી. ગુજરાતના ભાવિ માટે કોઈ દૃષ્ટિકોણ કે વિચારો રજૂ કર્યા નથી. ટ્‌વીટર પર કોંગ્રેસના નેતાઓ, પત્રકારો, નાગરિકોએ રાહુલ ગાંધી સાથે સંમત થઈ કહ્યું છે કે, ચૂંટણી ઢંઢેરો બહાર ન પાડવા પાછળ ભાજપની શરમજનક ચાલ છે. રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર એક ઉદાહરણ છે. તેમજ ભાજપ દ્વારા ગુજરાતમાં રર વર્ષનું કુશાસન તેને નડી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું કે, ભાજપે ચૂંટણી ઢંઢેરો લોકો સમક્ષ મૂકવાની તસ્દી લીધી નથી. કારણ કે વિકાસ ભાજપનો કદી એજન્ડા નથી. ર૦૧રમાં આપેલા વચનોનો જવાબ આપવા ઈચ્છતા નથી. તેમને ખબર પડી ગઈ છે કે, તેમનો પરાજય નિશ્ચિત છે.
શ્રી નિવાસન જૈને કહ્યું કે, ચૂંટણી ઢંઢેરો બહાર ન પાડવો તે એક રાષ્ટ્રીય પક્ષ માટે પહેલી વખત છે ?
નરેન્દ્રનાથ મિશ્રાએ કહ્યું કે અંતે ભાજપ ચૂંટણી ઢંઢેરો અને તેના લક્ષ્યાંકને ચૂકી ગયું. જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરા સિવાય વિકાસ મોડેલ, કાળું નાણું, ભ્રષ્ટાચાર, નોટબંધી, જીએસટીની કેમ વાત થતી નથી ? તેના બદલે પ૦ વાર શહજાદે બોલાયું. ગેસકાંડ, રાફેલ કાંડના બદલે બાબર, ઔરંગઝેબ અને હાર્દિકની સિડી શું રાહુલ હિન્દુ નથી ? અખિલેશ શર્માએ કહ્યું કે, હાલમાં નીચ શબ્દની ચર્ચા વચ્ચે ગુજરાતના ચૂંટણી ઢંઢેરાની અને દૃષ્ટિકોણનો ઉલ્લેખ કેમ નથી ? મતદારો કેવી રીતે જાણશે કે તેઓ ભાજપને સત્તા પર લાવશે તો પક્ષના મનમાં શું છે ? તે કેવી રીતે જાણશે ? આટલી બધી ટીકાઓ વરસ્યા બાદ છેક છેલ્લી ઘડીએ ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો અને તે લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં તો પ્રથમ તબક્કાનું મતદાન પણ આવી પહોંચ્યું છે.