(એજન્સી) લખનઉ, તા. ૮
ઉત્તરપ્રદેશ સરકારમાં કેબીનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે શનિવારે બુલંદશહર હિંસાને ભાજપનું કાવતરૂં ગણાવ્યું અને કહ્યું કે, ભાજપ ૨૦૧૯માં જીતવા માટે વોટબેંકની ફિરાકમાં બધું કરાવી રહ્યો છે. રાજભરે કહ્યું કે, બહરાઇચથી ભાજપના સાંસદ સાવિત્રીબાઇ ફૂલેનું રાજીનામું આપવું યોગ્ય નિર્ણય હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દલિત નેતા સાવિત્રીબાઇ ફૂલેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને એવો આરોપ લગાવ્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કરે છે. ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, જ્યારે સાંસદની વાત અધિકારી નહીં સાંભળે તો શું થશે. સાંસદે જનતાને જવાબ આપવો પડે છે. આવા સમયે તેમનો નિર્ણય એકદમ યોગ્ય હતો. તેમણે ફરી એકવાર બુલંદશહરની હિંસાને ભાજપનું કાવતરૂં ગણાવતા કહ્યું કે, ૨૦૧૯માં મતબેંકની ફિરાકમાં ભાજપ આ બધું કરાવે છે. રાજભરે એક સવાલના જવાબમાં કહ્યું કે, તમારે પણ ગઠબંધનને લઇ કોઇ નિર્ણય લેવો પડે તો શું કરશો ? તેમણે કહ્યું કે, હું સ્વતંત્ર છું અને ભાજપ સાથે છું.ભાજપ રાખશે તો રહીશ અને નહીં રાખે તો નીકળી જઇશ. હું કોઇની વિરૂદ્ધ નહીં પણ સાચું બોલું છું. જો સપા અને બસપાનું ગઠબંધન થાય તો ભાજપ માટે મુશ્કેલી સર્જાશે.