(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
રાજ્યની મહાનગરપાલિકાઓમાં મેયર ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટિની મુદ્દત પૂરી થતી હોય નવા નામોની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની એક બેઠક ૧૧મી જૂનના રોજ ગાંધીનગર ખાતે આવેલા કમલમ ખાતે મળનાર હોવાનું પ્રદેશ ભાજપા તરફથી જાણવા મળ્યું છે. પ્રદેશ ભાજપના અગ્રણીએ પોતાનું નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, સુરત સહિત રાજ્યની કેટલીક મહાનગરપાલિકાની મુદ્દત પૂરી થાય છે. ત્યારે ૧૪મી જૂનના રોજ નવા મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની વરણી માટે ૧૧મી જૂનના રોજ સોમવારે સાંજે ૫.૪૫ કલાક પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા ગાંધીનગર ખાતે મળશે. જેમાં સાથે બેસીને મેયર સહિતના પદાધિકારીઓના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે. જોકે, પ્રદેશ ભાજપ તરફથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે, મહાનગરની સંકલન સમિતિમાં વિવિધ પદો માટે પરામર્શ કરી પેનલ બનાવવી. આ સાથે પદાધિકારીઓના પદો પૈકી એક સ્થાન મહિલાને આપવાનો પણ આગ્રહ રાખવામાં આવ્યો છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મહાનગરમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવાની પણ તાકીદ કરવામાં આવી હોવાનું પણ પ્રદેશ ભાજપ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.