(એજન્સી) તા.૨૩
રાજકોટ પશ્ચિમની બેઠક જીતવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાવંત મુદ્દો બની ગઈ છે અને ભાજપ આ મામલે ખાસ કરીને જ્યારે કોંગ્રેસે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે મજબૂત ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુને ઉતાર્યા છે ત્યારે કોઈ ચાન્સ લેવા માંગતો નથી. આ માટે ડઝન જેટલા આઈટી નિષ્ણાતોનો બનેલ એક ગુપ્ત ‘વોર રૂમ’ ઊભો કરાયો છે જેમાં દિલ્હી, મુંબઈ અને પટણાના પણ આઈટી નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આમ રાજકોટ પશ્ચિમની બેઠક પર આગવું ધ્યાન કેન્દ્રિત કરીને રાજકોટ આ વોર રૂમ ઊભો કરાયો છે. આ રાજકોટ બીજેપીની આગવી આઈટી સેલ છે જે અંગે રાજ્ય ભાજપના આઈટી સેલના સભ્યો પણ અજાણ છે. ટીમ જેને વોર રૂમ કહે છે તે મનહર પ્લોટમાં પાટીદારોના વર્ચસ્વવાળા વિસ્તારમાં ઊભો કરાયો છે. પક્ષના કાર્યકરો સિવાય અન્ય કોઈપણ માટે પ્રવેશ પ્રતિબંધિત છે. આ લોકો એ જ સ્થળમાં રહે છે અને મીડિયા સાથે પણ કોઈને વાતચીત કરવા દેવામાં આવતી નથી. તેઓ ૯ ડિસે. સુધી રાજકોટમાં રહેશે કે જ્યારે વિધાનસભા ચૂંટણીના પ્રથમ દોરનું સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત માટે યોજાનાર છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, વોર રૂમની ટીમ સોશિયલ મીડિયા પર આક્રમક છે અને લોકો દ્વારા જે મુદ્દાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે અને વિરોધ પક્ષો પોતાના પ્રચાર અભિયાનમાં જેનું આયોજન કરી રહ્યા છે તે મુદ્દે સંશોધન હાથ ધરવામાં આવી રહ્યું છે. દિલ્હીથી આવેલા ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, હું પહેલાં ચૂંટણી રણનીતિકાર કિશોર સાથે કામ કરતો હતો પરંતુ હવે હું મારી વ્યક્તિગત ક્ષમતામાં કામ કરું છું. અમે આક્રમક સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવવાની સાથેે સંશોધન કાર્ય કરી રહ્યા છીએ અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્યપ્રધાનના ચુનંદા ભાષણ પણ પોસ્ટ કરી રહ્યા છીએ.
મુંબઈથી આવેલ ટીમના એક અન્ય સભ્યે જણાવ્યું હતું કે, અમે ભાજપની વિરૂદ્ધ અને તરફેણમાં આ મતવિસ્તારમાં પ્રત્યેક ઘર પરિવાર અંગે સંશોધન કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા માર્કેટિંગનું સારું જ્ઞાન ધરાવતા કેટલાક સ્થાનિક યુવાનોને પણ ગુજરાત બહારની ટીમને મદદ કરવા હાયર કરવામાં આવી રહ્યા છે.