(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં એક કિ.મી. લાંબા ત્રિરંગાએ માહોલ જમાવ્યો હતો. જેને કારણે વનિતા વિશ્રામથી લઈ કલેકટર કચેરી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ભાજપ સમર્થક સંસ્થા દ્વારા આયોજિત રેલીમાં ભાજપના ધારાસભ્ય, નગરસેવકો સહિતના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ, નવસારીમાં પણ સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીઓ યોજવામાં આવી હતી જેમાં લોકોને સીએએ અને એનઆરસી વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશના નાગરિક મુસલમાન હોય અથવા તો કોઇપણ સંપ્રદાયના હોય. આ કાયદો એમની નાગરિકતાને પડકાર આપતો નથી. યોગ્ય દસ્તાવેજ રજૂ કરી દુનિયાનો કોઇપણ મુસ્લિમ કે અન્ય વ્યકિત ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે. ૨૦૧૪થી અત્યાર સુધી વિવિધ દેશોમાંથી આવેલા ૫૬૬ મુસલમાનોએ ભારતની નાગરિકતા મેળવી છે.
ડબલ સ્ટાન્ડર્ડ : વિરોધ કરવા માટે પરવાનગી નહીં
દેશના નાગરિકો પર થોપવામાં આવેલા વિવિત્ર કાયદાનો વિરોધ કરવા માટે નવસર્જન ટ્રસ્ટ તેમજ વર્સેટાઈલ માઈનોરિટિઝ ફોરમ દ્વારા રેલી માટે પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાનું કારણ ધરીને પોલીસે પરવાનગી રદ કરી દીધી હતી જ્યારે આજે સમર્થનમાં રેલીને મંજૂરી આપવામાં આવતા નવસર્જન ટ્રસ્ટ તેમજ નાગરિક અધિકાર સમિતિ દ્વારા ફરીથી રેલી માટે લેખિતમાં મંજૂરી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શનની રેલી સમયે પોલીસ કમિશનર દ્વારા આઈપીસી ૧૪૪ લાગુ કરવામાં આવી હતી જેને પગલે વિરોધ પ્રદર્શિત કરનારાઓના મોરલ પર ફટકો પડ્યો હતો.
ભાજપના નેતાઓના ડીપી બદલાયા
નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કરવા માટે રેલીનું આયોજન થાય તે પહેલા તેના પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. વોટ્‌સઅપ, ફેસબુક, ટ્‌વીટર જેવા સોશિયલ મીડિયામાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના પદાધિકારીઓ, કાર્યકરોના સમર્થકોએ નાગરિક સંશોધન કાયદાનું સમર્થન કરવા સાથેના ડીપી બનાવી લીધા છે.