(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવા માટે ભાજપ દ્વારા ભારે મથામણ કર્યા બાદ છેવટે કલકત્તા હાઇકોર્ટે ઘણી બધી શરતો લાદીને મંજૂરી આપી હતી. હાઇકોર્ટની મંજૂર મળવાની સાથે જ ભાજપના નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને બેફામ નિવેદનબાજી કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ ભાજપના નેતાઓની આ ખુશી શુક્રવારે હાઇકોર્ટે રથયાત્રા પર સ્ટે મૂકતાની સાથે જ માત્ર એક જ દિવસમાં માતમમાં ફેરવાઇ ગઇ.
પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રા પર કલકત્તા હાઇકોર્ટે ફરી સ્ટે મૂકી દીધો છે. કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેંચે રાજ્યમાં ભાજપની રથયાત્રાને ગ્રીન સિગનલ આપતા આદેશને ફેરવી નાખ્યો હોવાથી ભાજપને ભારે ફટકો પડ્યો છે. ભાજપની રથયાત્રાને મંજૂરી આપતા સિંગલ બેંચના આદેશને રાજ્ય સરકાર દ્વારા પડકારવામાં આવ્યા બાદ હાઇકોર્ટે શુક્રવારે ભાજપની રથયાત્રા રદ કરતો આદેશ આપ્યો છે. શુક્રવારનો દિવસ ભાજપ માટે આંચકાવાળો પુરવાર થયો છે. ખરેખર, ગુરૂવારે કલકત્તા હાઇકોર્ટે મમતા બેનરજી સરકારની આકરી ટીકા કરીને ભાજપની ૩ રથયાત્રાને મંજૂરી આપી હતી. આ સાથે જ કોર્ટે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો ભંગ નહીં થાય, તેની ખાતરી કરવાનો પણ પ્રશાસનને આદેશ આપ્યો હતો. મમતા બેનરજી સરકારે સિંગલ બેંચના આ આદેશને ચીફ જસ્ટિસની ડિવીઝન બેંચમાં પડકાર્યો હતો. શુક્રવારે સુનાવણી કરતા ચીફ જસ્ટિસની બેંચે ભાજપની રથયાત્રા પર સ્ટે મૂકી દીધો છે.
ચીફ જસ્ટિસ દેબાશીષ કારગુપ્તા અને ન્યાયમૂર્તિ શમ્પા સરકારની બનેલી ડિવીઝન બેંચે આ મામલો સિંગલ જજની બેંચને પરત મોકલ્યો છે અને કહ્યું કે સિંગલ જજની બેંચ આ મામલા પર વિચાર કરતી વખતે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલી ગુપ્તચર માહિતીને ધ્યાનમાં રાખે. રાજ્ય સરકારના ત્રણ સૌથી વરિષ્ઠ અધિકારીઓની પેનલે ભાજપની રથયાત્રાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. પેનલના આદેશને સિંગલ જજની બેંચે રદ કરીને ભાજપને રથયાત્રા કાઢવાની ગુરૂવારે મંજૂરી આપી હતી. ભાજપના પ્રમુખ અમિતશાહ ઉત્તર બંગાળના કૂચ બિહારથી રથયાત્રાને ૭મી ડિસેમ્બરે જ લીલી ઝંડી બતાવવા માગતા હતા.