(એજન્સી) જમ્મુ, તા. ૨૦
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાહે ભાજપ અને આરએસએસ પર કોમવાદી રાજકારણ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ ભારતના ટુકડા કરવા માગે છે. તેમણે આરએસએસને સ્વતંત્રતા ચળવળ દરમિયાન અંગ્રેજોની કપટનીતિ સાથે સરખાવ્યું હતું. શેરે કાશ્મીર ભવન ખાતે અધિકારીઓ અને નેશનલ કોન્ફરન્સના નેતાઓને સંબોધતા તેમણે કહ્યું કે, કોમવાદી રાજનીતિ દ્વારા ભાજપ સહિતના સંઘના સંગઠનો ભારતના નાના ટુકડા કરી નાખવા માગે છે. તેમણે ભાજપ પર રાજકીય લાભ ખાતર ભાગલાવાદી રાજકારણ અને વિવિધ સમુદાયોમાં નફરતના બીજ વાવીને અવિશ્વાસ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. કોમવાદી ભાગલા ભારતની વિચારધારા અને મૂળતત્વ વિરોધી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ, આરએસએસ અને તેની સાથે સંકળાયેલી સંગઠનો દેશના યુવાનોમાં નફરત ફેલાવી ભાગલા પડાવવાનું જ કામ કરે છે.
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર ધર્મનિરપેક્ષ ભારતનો ભાગ છે નહીં કે, ધાર્મિક પાકિસ્તાનનો કારણ કે, લોકો પણ માને છે કે, ફક્ત ધર્મને આધારે દબાણ ન થવું જોઇએ. આ વિચારધારાને કારણે જ બાંગ્લાદેશનું સર્જન થયું છે. તેમણે યુવાઓને દેશ તથા રાજ્યના ઇતિહાસને જોવા કહ્યું જેથી તેઓ યોગ્ય દિશામાં રાજકીય વિકાસનો અભ્યાસ કરી શકે. આજે ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે અને યુવાઓના માનસને સત્યથી દૂર રખાય છે.