(એજન્સી) જયપુર, તા.૩
રાજસ્થાનના બાંસવાડા ડુંગરપુરના ભાજપા સાંસદને સીએમ વસુંધરા રાજેમાં સાક્ષાત દેવી અને પીએમ મોદી ભગવાનનો અવતાર દેખાઈ રહ્યા છે. ભાજપના સાંસદ માનશંકર નિનામાએ બાળકોને સરકારી શાળામાં દૂધ પીવડાવતાએ સમજાવ્યું કે, ધરતી પર સાક્ષાત ભગવાનના અવતાર તરીકે પીએમ મોદી આવ્યા છે. સાથે જ તેમણે જણાવ્યું કે, સીએમ રાજે દેવીનો અવતાર છે. બાળકોના સારા માટે તેઓ સારૂ કામ કરી રહ્યા છે. જો તો પણ કોઈ બાળક કુપોષણનો ભોગ બની રહ્યો છે તો તેનું કોઈ કંઈ પણ કરી શકે તેમ નથી. માનશંકર નિનામા ભાજપમાંથી પહેલીવાર બાંસવાડા ડુંગરપુરના સાંસદ બન્યા છે. તેઓ ડુંગરપુર જિલ્લાના ઘાટોલ કસ્બાની રાજ્ય માધ્યમિક શાળામાં આઠમા ધોરણ સુધીના બાળકોને દૂધ પીવડાવવાના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. જો કે, રાજસ્થાનમાં પીએમ મોદીને ભગવાનનો અવતાર ગણાવવા અને વસુંધરા રાજેને દેવી અવતાર ગણાવવાનો આ પહેલો કિસ્સો નથી આ પહેલાં ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ પીએમ મોદીને ધરતી પરના ભગવાનનો અવતાર ગણાવ્યા હતા.