(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
યુપીના બુલંદશહેર બેઠક પર આજે ભાજપના ઉમેદવાર ભોલાસિંહ દ્વારા બુથ પર જઈ મતદારોને લલચાવવાની કોશિશ કરાતાં જિલ્લા કલેક્ટરે તેમને નોટિસ પાઠવી નજરબંધ કરવાનો આદેશ આપ્યો હતો. ગુરૂવારે બીજા તબક્કાનું મતદાન શરૂ થયું હતું. ભાજપના ઉમેદવાર ભોલાસિંહ સામે કોઈકે ફરિયાદ કરી કે, તેઓએ મતદાન દરમિયાન ઈન્ટરકોલેજ ખાતે બુથ પર જઈ મતદારોને લલચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કલેક્ટરને ફરિયાદ કરાતા તેમણે ભાજપના ઉમેદવાર ભોલાસિંહને દિવસભર નજરબંધ કરી દીધા હતા. ભોલાસિંહ બુથ પર જઈ ઈવીએમ સુધી પહોંચી ગયા, ત્યારે સુરક્ષાકર્મીએ તેમને રોકયા હતા. ત્યારબાદ કલેક્ટરે ભોલાસિંહને એકલા જવાની છૂટ આપી હતી, પરંતુ ત્યારબાદ તેઓ બીજા બુથ પર જઈ મતદારોના આશિર્વાદ લઈ વાતો કરતા નજરે પડ્યા, જ્યાં સુરક્ષાકર્મીઓ સાથે રકઝક બાદ ફરિયાદ થતાં ડીએમ દ્વારા સાંસદ ભોલાસિંહને કોઈ પણ બુથ પર જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉમેદવાર બુથમાં જઈ શકે, પરંતુ ઈવીએમ સુધી નહીં, તેમજ મતદારો સાથે વાત કરી ન શકે. યુપીની ૮ બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું.