(એજન્સી)નવી દિલ્હી, તા.૪
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની વિજય સંકલ્પ રેલીમાં શનિવારે સેનાની વર્દીમાં પહોંચેલ દિલ્હી ભાજપ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી પર સેનાના નામે રાજકારણ ખેલવાનો અને સૈનિકોનું અપમાન કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં મનોજ તિવારીએ ટ્‌વીટ કરીને જવાહરલાલ નહેરૂનો ઉલ્લેખ કરતા કહ્યું કે શું નહેરૂ જેકેટ પહેરી લઉં તો એથી જવાહરલાલ નહેરૂનું અપમાન થઈ જશે ?
અહેવાલ મુજબ તિવારીએ સેનાની વર્દી પહેર્યા બાદથી અનેક નેતાઓએ તેમના પર હુમલો કર્યો છે. સેનાની વર્દી પહેરીને પ્રચાર કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયને ત્રણવાર બેશરમ શબ્દ લખી ટ્‌્‌વીટ કર્યું કે, ભાજપ સાંસદ અને દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારી સૈનિકોની વર્દી પહેરીને વોટ માંગી રહ્યા છે. ઓ’બ્રાયને ભાજપ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર જવાનો પર રાજનીતિ અને શહીદોનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ વડાપ્રધાન મોદી અને અમિત શાહ જવાનો પર રાજનીતિ કરે છે એમનું અપમાન કરી રહ્યા છે અને પછી દેશભક્તિ પર ભાષણ આપે છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના મીડિયા સલાહકાર નાગેન્દ્ર શર્માએ આને અપરાધ ગણાવ્યો છે. નાગેન્દ્રે ટ્‌વીટ કરતા લખ્યું કે, મનોજ તિવારીએ સેનાનો યુનિફોર્મ પહેરીને સ્પષ્ટપણે ભારતીય દંડસહિતાના સેક્શન ૧૭૧નું ઉલ્લંઘન કરવાનો અપરાધ કર્યો છે. જો કે મનોજ તિવારીએ રિટ્‌વીટ કરી સ્પષ્ટ કર્યું હતું કે, તેમને સેના માટે ગર્વ અને સન્માન છે. તેમણે એકજૂથતાની ભાવના વ્યક્ત કરવા આ વર્દી પહેરી હતી એમાં અપમાન જેવું શું છે ? તિવારીએ જવાહરલાલ નહેરૂનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શું નહેરૂ જેકેટ પહેરી લઉં એથી જવાહરલાલ નહેરૂનું અપમાન થઈ જશે ? ર૦૧૬માં પઠાનકોટ હુમલા બાદ સેનાએ કોઈપણ નાગરિકને સૈન્ય વર્દી પહેરશે તો તેની સામે કાર્યવાહી થશે તેવી ચેતવણી આપી હતી. એમણે કહ્યું કે, હું તિવારી અને ભાજપના શરમજનક કૃત્યની વાત નથી કરતો પરંતુ અપરાધ આખરે અપરાધ જ હોય છે. આ ઉપરાંત દિલ્હી પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તેમજ કોંગ્રેસના મંત્રી શર્મિષ્ઠા મુખરજીએ તિવારીના આર્મી શર્ટ પહેરવાને શરમજનક ગણાવ્યું છે અને ટ્‌વીટમાં લખ્યું છે કે, વર્દીની શાન અને સન્માન માટે સૈનિક તેના પ્રાણોનું બલિદાન સુદ્ધાં આપી દે છે, પરંતુ બીજેપીના સાંસદ મનોજ તિવારીએ પોતાના રાજકીટ સ્ટંટના ચક્કરમાં તેનો તમાશો બનાવી દીધો છે. આર્મીના ડ્રેસને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકોએ મનોજ તિવારી પર હુમલો કર્યો છે એટલું જ નહીં સ્પષ્ટતા આપ્યા બાદ તો તિવારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કથિત રીતે પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂના જેકેટની સેનાની વર્દી સાથે તુલના કરવા પર પણ લોકોએ તેમને આડે હાથ લીધા છે. યુઝર્સોએ લખ્યું છે કે, આર્મીની વર્દી કોઈ સામાન્ય ડ્રેસ નથી એને મહેનત અને જુસ્સાથી મેળવવી પડે છે. વિનોદ બધેલ નામના યુઝર્સે લખ્યું છે કે, વર્દીની હકીકત મનોજ તિવારીને કેવી રીતે ખબર હોય, સેનાની વર્દી એ જ લોકો પહેરી શકે જે તેના લાયક હોય. આ વર્દી આપણા પરાક્રમી વીર જવાનોનું સન્માન છે એના પર કોઈ રાજકારણ રમવું જોઈએ નહીં. એમણે તિવારી સામે સખત પગલાં લેવા ભારત સરકારને ભલામણ કરી છે. અન્ય યુઝર્સે તિવારીની દેશભક્તિ સામે સવાલ કર્યો કે, સેના પર ગર્વ હોત તો ૪૦ જવાનોની શહાદતના સમાચાર બાદ પણ ઠુમકા લગાવ્યા ન હોત અને શહીદોના ઘરે સંવેદન વ્યક્ત કરવા ગયા હોત.