શાહજહાંપુર,તા.૧૩
જાતીય સતામણીના આક્ષેપોથી ઘેરાયેલ ભાજપાના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીની મુશ્કેલીઓ સતત વધી રહી છે, એમની આજુબાજુ એસઆઈટીનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.
સમાચારો મુજબ ગઈકાલે મોડી રાત્રે બે વાગ્યા સુધી સ્વામી અને એમના વિશ્વાસુઓની એસઆઈટીએ લગભગ ૬-૭ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ શાહજહાંપુર પોલીસ લાઈન પરિસરમાં કરાઈ હતી. ઉ.પ્ર.પોલીસના સૂત્રો મુજબ ભલે આ એસઆઈટીની નિગરાની હાઈકોર્ટની બેંચ કરી રહી હોય તેમ છતાંય મામલાની ગંભીરતા જોતા સરકાર અને ડીજીપી પણ નિગરાની રાખી રહ્યા છે.
એસઆઈટી ટીમના સભ્યો આરોપી અને સાક્ષીઓ અને ફરિયાદી સિવાય બધાથી અંતર રાખી રહ્યા છે. કારણ એ છે કે એસઆઈટી ઉપર અલ્હાબાદ કોર્ટની નિગરાની છે. તપાસનો સંપૂર્ણ રિપોર્ટ ડીજીપીને આપવામાં આવી રહ્યો છે, કારણ કે પછીથી પોલીસ સામે પ્રશ્નો નહીં થાય. એસઆઈટીને એ પણ ભય છે કે જો એમની તપાસમાં જરાય ઉણપ દેખાશે તો હાઈકોર્ટ તપાસ સીબીઆઈને આપી દેશે. આ તમામ હકીકતો જોતા આશ્રમની સુરક્ષા વધારાઈ છે. સ્વામી અને એમના સાથીઓને બહાર જવા દેવામાં આવતા નથી. આનાથી બે ખાસ સંભવિતાઓ સામે આવી રહી છે એક તો સ્વામીની એસઆઈટી કયારે પણ ધરપકડ કરી શકે છે. બીજી સમગ્ર મામલા દરમ્યાન સ્વામીનો મસાજવાળો જે વીડિયો જાહેર થયો છે એને લઈ કયાંક સ્વામી લોકોના રોષનો ભોગ નહી બની જાય. બીજી બાજુ આ વીડિયો બહાર પડયા પછી સ્વામીના વકીલે કહ્યું છે કે આ વીડિયો બનાવટી છે અને એડિટ કરાયો છે. આ બધુ ષડયંત્ર નાણા વસુલવા માટે રચાયું છે. એસઆઈટીએ ઓમસિંહની પણ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. સ્વામીના વકીલે પોલીસ સ્ટેશનમાં એક વણ ઓળખાયેલ નંબર ઉપરથી પાંચ કરોડ રૂપિયા ખંડણી માગવાનો આક્ષેપ મુકતી ફરિયાદ નોંધાવી હતી. સિંહે જણાવ્યું કે સ્વામીના વ્હોટસએપ ઉપર એક સંદેશ દ્વારા પાંચ કરોડની ખંડણીની માંગણી કરાઈ હતી.