(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓની મુલાકાત લેતા ભાજપના સાંસદ વિનય કટિયારે તેણીની વિરૂદ્ધ ઝેર ઓકયું છે અને તેણીનીને તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવા બદલ ભારત છોડી દેવા કહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપા સાંસદે કહ્યું કે વી.આઈ.પી.ઓએ રોહિંગ્યા શરણાર્થીઓની શિબિરની મુલાકાત ના લેવી જોઈએ. તેને કારણે ખોટા સંદેશાઓ ફેલાશે. પ્રિયંકાએ ત્યાં ના જવું જોઈએ. તેણીની શા માટે ત્યાં ગઈ હતી ? આ ચિંતાનો વિષય છે. રોહિંગ્યા મુસ્લિમોને અહિંયા રહેવાની પરવાનગી ના આપવી જોઈએ અને જે લોકો તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે તેમને પણ ભારતમાં રહેવાની પરવાનગી ના આપવી જોઈએ.
૩પ વર્ષીય અભિનેત્રીએ યુનિસેફની બાળકોના અધિકારોની સદ્‌ભાવનાના રાજદૂત છે, તેણીએ સોમવારે કોકસ બજારમાં આવેલી શરણાર્થીઓની શિબિરની મુલાકાત લીધી હતી. આ દુનિયાની સૌથી મોટી શરણાર્થી શિબિરમાંની એક છે અને અહિંયા લોકોને પડતી મુશ્કેલીઓને ભયાનક રીતે વર્ણાવવામાં આવી રહી છે.
પ્રિયંકાએ પોતાની આ મુલાકાત અંગે ઈન્સ્ટાગ્રામ પર પોતાના અનુભવો શેર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ઓગસ્ટ ર૦૧૭થી મ્યાનમારમાંથી અંદાજે ૭,૦૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થીઓ સ્થળાંતર કરીને બાંગ્લાદેશના કોકસ બજારમાં આવ્યા છે. આ પહેલાં ગત વર્ષે પ્રિયંકા જોર્ડનમાં સીરિયન શરણાર્થીઓની મુલાકાતે ગઈ હતી, તેણીએ કહ્યું હતું કે આ માનવીય કટોકટીનો સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે.