(એજન્સી) નવી દિલ્હી, તા.૯
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના સાંસદોને જનતા સામે પોતાનો રિપોર્ટ કાર્ડ જનતા સામે રજૂ કરવા તો કહ્યું જ છે સાથે જ પાર્ટી પોતે પણ આંતરિક સર્વે કરાવી રહી છે. આના દ્વારા ભાજપ પોતાના સાંસદોની લોકપ્રિયતા, પાછલા પાંચ વર્ષોમાં તેમના કામકાજનું આકલન કરી રહી છે. પરંતુ પાર્ટી હાઇકમાન્ડ માટે ચિંતાની વાત એ છે કે, ભાજપના અડધાથી વધુ સાંસદોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ૨૦૧૪માં ભાજપે જે ૨૮૨ બેઠકો પર જીત મેળવી હતી તેમાંથી ૧૫૨ સંસદીય ક્ષેત્રોમાંથી આવેલા રિપોર્ટ સાંસદો વિરૂદ્ધના છે. એક અહેવાલ અનુસાર આ સર્વે ગુજરાત વિધાનસભા ચૂંટણીની બરોબર પહેલા જ કરવામાં આવ્યો હતો.
પ્રથમ સર્વેેથી ચિંતિત ભાજપ હવે સર્વેના બીજા તબક્કા માટે કામ કરી રહ્યો છે. જે અંતર્ગત જે બેઠકો પર જનતા પોતાના પ્રતિનિધિઓથી નારાજ છે ત્યાં તે સાંસદને પોતાની સ્થિતિ સુધારવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ પાર્ટીના અધિકારીઓ સાથે વૈકલ્પિક ઉમેદવારના નામ પણ મંગાવવામાં આવ્યા છે. ભાજપ દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં પણ ચાલુ પાર્ષદોના સ્થાને નવા ચહેરાઓને ઉતારીને સરકાર વિરોધી વલણને માત આપી ચૂક્યો છે. એટલું જ નહીં ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ પાર્ટી આ ફોર્મ્યુલા અપનાવી ચૂકી છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સાંસદો પ્રત્યે લોકોની નારાજગી વધુ છે. ઉત્તરપ્રદેશમાં હાલ ભાજપના ૭૧ સાંસદો છે જેમાંથી ૪૮ બેઠકો પર રિપોર્ટ સાંસદો વિરૂદ્ધ આવ્યા છે. મધ્યપ્રદેશમાં ૧૬ ભાજપી સાંસદો વિરૂદ્ધ રિપોર્ટ આવ્યા છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં લોકો પોતાના સાંસદોના કામથી ખુશ નથી. રાજસ્થાનમાં ૧૩ બેઠકો પર રિપોર્ટ નેગેટિવ છે તો મહારાષ્ટ્રમાં ૧૭ બેઠકો પર લોકોની નારાજગી છે. બિહારમાં પણ ૧૨ સાંસદોના કામકાજથી લોકો ખુશ નથી. હરિયાણામાં તો સ્થિતિ તેના કરતા પણ વધુ ખરાબ છે. અહીં ભાજપના સાત સાંસદો છે પરંતુ તમામ આંતરિક સર્વેમાં સાતેય સાંસદો વિરૂદ્ધ રિપોર્ટ નેગેટિવ છે. અહેવાલો અનુસાર ભાજપ હાઇકમાન્ડ અને સંઘ ભાજપમાં ત્રીજી પેઢીના નેતાઓને ઉતારવા માટે ભાર મૂકી રહ્યા છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સંઘના પ્રમુખ મોહન ભાગવત અને સર કાર્યવાહક ભૈયાજી જોશી સાથે અમિત શાહની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી.
ભાજપના આંતરિક સર્વેમાં અડધાથી વધુ સાંસદોના રિપોર્ટ નેગેટિવ

Recent Comments