અમદાવાદ,તા.૪
રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલના નિવેદન અંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે. પરેશ ધાનાણીએ જણાવ્યુ કે, કોંગ્રેસ આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે. લોકશાહી અને અધિકારોને બચાવવા જે પણ આંદોલન કરશે તેને કોંગ્રેસ ટેકો આપશે રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોની દુશ્મન છે. સરકારે ખેડૂતોમાં ભાગલા પાડી રાજકીય રોટલા શેકવાની શરૂઆત કરી છે.
ખેડૂતોને દેવાથી મુક્ત કરવા હાર્દિક પટેલ છેલ્લા ૧૦ દિવસથી આંદોલન કરી રહ્યો છે. તેમ છતાં સરકાર તેનો ભાવ પણ નથી પૂછતી. પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પાછળના બારણેથી નીકળી ગયા અને હવે સૌરભ પટેલે સરકાર વતી હવાલો સંભાળ્યો છે. મારી તેમને સલાહ છે કે સૌરભ પટેલે પણ તેમની સરકાર સામે ઉપવાસ કરવા જોઈએ. હાર્દિકની તબિયત અંગે સૌરભ પટેલે આપેલા નિવેદનને વખોડતા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના આંદોલન અંગે સરકારને અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં સરકારે તેને ગંભીરતાથી લીધી નથી. હાર્દિકની તબિયત અંગે સરકારે સલાહ આપવાની જરૂર નથી. હાર્દિક ડૉક્ટરની સલાહ માની રહ્યો છે. પરંતુ સરકારે તેની સલાહ માનવી જોઈએ.