(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
આગામી ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસે જેટલા પણ કલાકો મળે તેમાં ભાજપ સરકારને બરાબર ભીંસમાં લેવાની તૈયારી કરી રાખી છે. ખાસ કરીને બહુચર્ચિત મગફળીકાંડ, પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો, ખેડૂતોના દેવા માફી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર રાજય સરકારને ઘેરવાની રણનીતિ પર આવતીકાલે ચર્ચા કરાશે.
આવતીકાલ શુક્રવારે બપોરે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં ખાસ કરીને આગામી ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરે મળનાર ગુજરાત વિધાનસભાના સત્રમાં કેવી રણનીતિ અપનાવવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના દિવસોમાં રાજયમાં બહુ ચગેલા કરોડોના કૌભાંડ મગફળીકાંડને લીધે કોંગ્રેસે ભાજપ સરકારને બરાબર ભીંસમાં લીધી હતી. પ્રતિક ઉપવાસ, ધરણા, રેલી, દેખાવો કરી ન્યાયિક તપાસ કરવા માગણીઓ કરી હતી. ઉપરાંત ખેડૂતોના દેવા માફી મુદ્દે પણ અવારનવાર સરકાર પર પ્રહારો કર્યા હતા. હાલમાં જ પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોને લઈ કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતું. કોંગ્રેસની માગણી હતી કે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પરથી એકસાઈઝ ડયુટી અને ગુજરાત સરકાર વેટમાં ઘટાડો કરે ઉપરાંત પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં આવરી લેવામાં આવે. આ ઉપરાંત વધતી જતી બળાત્કારની ઘટના, જમીન માપણીમાં ખેડૂતોની જમીનોમાં હેરફેર, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ છે. જેનાથી રાજય સરકાર ભીંસમાં મુકાઈ શકે છે. આમ જો સમય સાથ આપે તો કોંગ્રેસ માટે ભાજપને ભરડામાં લેવાની ઉત્તમ તક છે.