અમદાવાદ, તા.રપ
ભાજપ સરકારે છેલ્લા ત્રણ વર્ષથી એલઆઈસી તેમજ અન્ય ૩ર ખાનગી કંપનીઓમાં પોલિસીના પ્રીમિયમ ઉપર અન્ય ટેક્ષ ઉપરાંત ૧૮ ટકા જીએસટી નાંખી વડીલોનું નિવૃત્ત જીવન દુષ્કર બનાવી દીધું છે. વડીલ વંદના કરવાના બદલે વડીલોને બોજ સમજી રહેલી ભાજપ સરકારના બોજને જ દૂર કરવા અપીલ કરી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.હિમાંશું પટેલે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી રાજકારણ સહિત દરેક ક્ષેત્રમાં વડીલોને બોજ સમજી જાણે નેસ્તાનાબૂદ કરી રહ્યા છે. જેમ કે એલઆઈસી તા.૧/૯/પ૬થી અસ્તિત્વમાં આવી ત્યારથી પોલિસી કે પ્રીમિયમ ઉપર ટેક્ષ લેવામાં આવતો નહોતો. પરંતુ ર૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી એલઆઈસી અને અન્ય ૩ર ખાનગી કંપનીઓ ઉપર ટેક્ષ ઝીંકવામાં આવ્યો છે. જેમાં સામાજિક ઉત્કર્ષ, લોકભાગીદારી અને દાનના નામે આવી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરતી ભાજપ સરકારે એલઆઈસી પોલિસીના પ્રીમિયમ ઉપર ૩.૭પ ટકા ડ્યુટી નાંખી છે. જે જીએસટી પછી ૪.પ ટકા થઈ છે. જ્યારે અનેક પોલિસીઓના પ્રીમિયમ ઉપર ૧૮ ટકા જીએસટી લગાવ્યો છે. જેના પરિણામે વર્ષે-દહાડે પ૦૦ કરોડનું પ્રીમિયમ ભરતાં લાખો વડીલો અને અન્ય સામાન્ય પ્રજાજનો ઉપર કરોડો રૂપિયાનો ટેક્ષનો વધારાનો બોજ પડ્યો છે. રાજ્યના વડીલો નિવૃત્તિ પછી તેમજ પોતાના અને પરિવારના ભવિષ્ય માટે પેન્શન સહિત અન્ય આવક ઊભી કરવા આ પ્રકારનું રોકાણ કરતા હોય છે. પોતાની આવકમાંથી આવી બચત કરી તેને આજીવિકાનું સાધન બનાવવા સાથે નાના-મોટા અવસરો પાર પાડતા હોય છે. આ ઉપરાંત ઘણા વડીલોને ખાનગી કંપનીઓમાં નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી ત્યારે આવી બચત ઉપર ભાજપ સરકાર ટેક્ષ ઠોકી બેસાડતાં પરસેવાની કમાણીના હજારો રૂપિયા ટેક્ષનાં નામે ખોવાઈ જાય છે. જેના કારણે ભાજપ સરકારે વડીલોને બોજરૂપ સમજી તેમનું નિવૃત્ત જીવન સરળ અને ખુશીભર્યું બનાવવાના બદલે દુષ્કર કરી દીધું છે. આ સંજોગોમાં દરેક વડીલો અને તેમના પરિવારજનોને આ નીતિરીતિને યાદ રાખી ભાજપ સરકારને જે બોજરૂપ ગણી દૂર કરવા અપીલ કરી છે.