(એજન્સી) લખનૌ, તા.૧૯
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મંગળવારે વિધાનસભામાં જણાવ્યું કે તેની રચનાની શરૂઆતના લગભગ ૨ મહિનામાં રાજ્યમાં બળાત્કારની ૮૦૩ ઘટના તથા હત્યાની ૭૨૯ ઘટના ઘટી છે. સંસદીય કાર્ય મંત્રી સુરેશ ખન્નો પ્રશ્નકાળ દરમિયાન સદનમાં કહ્યું કે, આ વર્ષે ૧૫ માર્ચથી ૯ મેની વચ્ચે બળાત્કારની ૮૦૩ ઘટના, હત્યાની ૭૨૯ ઘટના, લૂંટની ૭૯૯, અપહરણની ૨૬૮૨ તથા લૂંટફાટની ૬૦ ઘટના ઘટી છે. સપા સભ્ય શૈલેન્દ્ર યાદવ લઈએ આ મુદ્દો ઉઠાવતાં સરકાર પાસેથી એક ચોક્કસ સમયગાળા દરમિયાન થયેલી ગુનાહિત ઘટનાઓ અને તેને રોકવા માટે લેવામાં આવેલા પગલાંઓ વિશે જાણવાની ઈચ્છા દર્શાવી હતી. મંત્રીએ કહ્યું કે હત્યાના ૬૭.૧૬ ટકા કેસોમાં કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે બળાત્કારના કેસમાં ૭૧.૧૨ ટકા, અપહરણના કેસમાં ૫૨.૨૩ ટકા, લૂંટફાટના કેસમાં ૬૭.૦૫ ટકા અને લૂંટના કેસમાં ૮૧.૮૮ ટકા કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, “આ ઉપરાંત આ કેસમાં ૩ આરોપીઓની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ગેંગસ્ટર એક્ટના કેસોમાં ૧૨૬ તથા ગુંડા એક્ટના કેસોમાં ૧૩૧ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સપા સભ્ય પારસનાથ યાદવે આ જ સમયગાળામાં પાછલા વર્ષો દરમિયાન ગુનાઓના તુલનાત્મક આંકડાઓ દર્શાવવાનું કહ્યું, પરંતુ મંત્રીની પાસે આ આંકડાઓ તે સમયે ઉપલબ્ધ નહોતા.