(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૭
રાજ્યસભાની એક બેઠક કોંગ્રેસ પાસેથી પડાવી લેવા પોતાની આબરૂનું ધોવાણ કરનાર ભાજપે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એકપણ મુસ્લિમ ઉમેદવાર ન ચૂંટાય તે માટે કમર કસી છે તેના ભાગરૂપે સૌપ્રથમ મતદાર યાદીમાંથી નામો ગાયબ કરવાનું ષડ્યંત્ર રચ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દરિયાપુર વોર્ડના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે ભાજપની રાજ્ય સરકારના ઈશારે દરિયાપુર વિધાનસભાની મતદાર યાદીમાંથી લઘુમતી સમાજના ર૮૦૦ જેટલા મતદારોના નામ ગાયબ કરાતા જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવા માગ કરી છે. અમદાવાદના કલેક્ટર અવંતિકા સિંઘ તથા દરિયાપુર વિધાનસભાના ચૂંટણી અધિકારીને પત્ર પાઠવી ફરિયાદ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે હાલમાં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં પ૧ દરિયાપુર વિધાનસભાની મતદાર યાદીમાં મતદાન મથક નં.૧ર૯, ૧૩૬, ૧૬૬માંથી ભાજપની રાજ્ય સરકારના ઈશારે યાદીમાંથી નામો કમી કરવામાં આવ્યા છે. ત્રણેય મતદાર યાદીમાં તેમજ ચૂંટણી પંચે બહાર પાડેલ મતદારો માટેની સીડીમાંથી પણ નામો ડિલિટ કરી દીધેલ છે. જે ઘોર બેદરકારીનો નમૂનો છે. આ અંગે અતિ ગંભીર ક્ષતિ અને બેદરકારી દાખવનાર મતદાર યાદી તૈયાર કરનાર તમામ અધિકારીઓ સામે ફોજદારી કલમ લગાવી કેસ કરવા અને સસ્પેન્ડ કરી પગલા લેવા મારી માગણી છે. ભાજપ સરકારના ઈશારે આવું જઘન્ય કૃત્ય કરવામાં આવેલ છે તેની પણ તપાસ કરવા મારી માગણી છે. આ ગુનાહિત કૃત્ય ભાજપના ઈશારે કરી લઘુમતી મતદારોના નામ ડિલિટ કરી ચૂંટણીના દિવસે અંધાધૂંધી ફેલાવવાનું આ વ્યવસ્થિત કાવતરું અધિકારીઓના મેળાપીપણાથી થયું છે. પ૧ દરિયાપુર વિધાનસભા મતક્ષેત્રમાં જે જૂના અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પડતા હોઈ મોટા પાયે લોકો સ્થળાંતર કરી ગયેલ હોઈ ૩થી ૪ હજાર જેટલા મતદારોના નામ બે જગ્યાએ ચાલતા હોઈ તેમને નોટિસ પાઠવી કોઈપણ એક ક્ષેત્રમાં મૂળ જ્યાં રહેઠાણ હોઈ ત્યાં ચાલુ રાખવા માટે તેઓને નોટિસ પાઠવવા અને ઓનલાઈન મતદાર યાદી હોઈ ફોટો અને નામસર્ચ કરી તટસ્થ ચકાસણી કરવા, મતદાર યાદીમાંથી ઉડાડી દેવામાં આવેલ નામોને તાકીદે મતદાર યાદીમાં સમાવેશ કરવા તથા પ૧ દરિયાપુર વિધાનસભાની મતદાર યાદીનું રિ-સર્વે કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. મતદાન મથક નં.૧ર૯માં કુલ મતદારો ૧ર૪ર છે કુલ પેજ ૧થી ૪૧ છે જેની જગ્યાએ માત્ર ૧થી ૧૪ પેજ મૂકેલ છે અને ૧પથી ૪૧ સુધીના પેજ મૂકવામાં આવેલ નથી. મતદાન મથક નં.૧૩૬માં કુલ ૧૧૯ર મતદારો છે કુલ પેજ ૧થી ૩૬ છે જેની જગ્યાએ માત્ર ૧થી ૪ પેજ છે. પથી ૩૬ સુધીના પેજ મૂકવામાં આવેલ નથી. મતદાન મથક નં.૧૬૬માં કુલ મતદારો ૧ર૪૧ છે કુલ પેજ ૧થી ૩૬ છે જેની જગ્યાએ માત્ર ૧થી ૪ પેજ છે. મતદાન મથક નં.૧ર૯-૬૬પ નામોની યાદી નથી. ૧૩૬માં ૧૦૯પ નામોની યાદી નથી. જ્યારે ૧૬૬માં ૧૦૦૦ નામોની યાદી નથી. આમ કુલ મળીને ર૮૬૦ નામો યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે સોમનાથમાં મળેલી ભાજપની કારોબારીમાં વિધાનસભાને ગંગાજળથી શુદ્ધ કરવા અને એકપણ મુસ્લિમ ન ચૂંટાય તે માટે ઠરાવ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. એના ભાગરૂપે સૌપ્રથમ રાજ્યસભામાં અહમદ પટેલને હરાવવા આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા. તેમાં પછડાટ મળતા હવે વિધાનસભા તરફ નજર દોડાવી છે અને લઘુમતી વિસ્તારોમાંથી મતદાન યાદીમાંથી નામો કમી કરવા, નાના પક્ષો કે અપક્ષોને નાણાં આપી ઊભા રાખવા, મતદારોને લાલચ આપી કે ધાર્મિક સ્થળે ફરવા મોકલી મતદાનથી વંચિત રાખવા જેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આથી મુસ્લિમોએ હવે જાગૃત થઈ વધુમાં વધુ મતદાન કરવું પડશે અને નવા મતદારોની નોંધણી બાકી હોય તો તે કરાવી લેવી પડશે તો જ ભાજપના આ પ્રયાસોને નિષ્ફળ બનાવી શકાશે.