(એજન્સી) તા.૧પ
મરાઠીભાષી મુસ્લિમોના ૧૦૦ જેટલા સમૂહો પર વર્ચસ્વ ધરાવતા મહારાષ્ટ્ર-મુસ્લિમ સંઘે નક્કી કર્યું છે કે હવે તે ભાજપને સમર્થન નહીં આપે. આ સંગઠન ચાર વર્ષ સુધી ભાજપની પડખે ઉભું રહ્યું. તેમણે મુસ્લિમ સમુદાયને થતા અન્યાય માટે સરકારની ટીકા કરવાનો ઈન્કાર કર્યો પરંતુ હવે તેઓ ભાજપનું સમર્થન કરવા ઈચ્છતા નથી. ગયા અઠવાડિયે સંઘના મુખ્ય સંયોજક ફકીર ઠાકુરે ત્રીજો મોરચો રચવાનો પ્રયત્ન કરી રહેલા ભારિપ બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકર સાથે મુલાકાત કરી હતી. ઠાકુરે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય પક્ષો મહારાષ્ટ્ર મુસ્લિમ સંઘને સત્તામાં ભાગ આપવા તૈયાર થાય તો અમે તેમને સમર્થન આપી શકીએ છીએ. આ સંભવિત ગઠબંધનથી ભાજપને નુકસાન થવાની શકયતા છે. ર૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં સૌપ્રથમ વખત ભાજપને ૧૩ ટકા જેટલા મુસ્લિમ મતો મળ્યા હતા. ઠાકુરે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં મુખ્યમંત્રીને કયારેય પણ અમને મળવાનો સમય મળ્યો નથી.