(એજન્સી) તા.૧
‘ભારત છોડો’ ચળવળના ૭૬ વર્ષ પછી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે સેવાગ્રામથી ભાજપ વિરૂદ્ધ મહત્ત્વનો રાજકીય સંઘર્ષ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખે શરૂ કરેલા ‘ભાજપ સત્તા છોડો’ અભિયાનનું મુખ્ય ધ્યાન ર૦૧૯ની ચૂંટણી પહેલાં એક વૈકલ્પિક રાજકીય અને આર્થિક દૃષ્ટિકોણ પ્રસ્તુત કરવાનો છે. આ અભિયાનની શરૂઆતમાં રાહુલ ગાંધી ર ઓક્ટોબર મંગળવાર એટલે કે ગાંધી જયંતીના દિવસે વર્ધા નજીક આવેલા સેવાગ્રામથી બે કિલોમીટરની પદયાત્રા કરશે જેનું નામ ‘ગાંધી સંદેશ યાત્રા-મહાત્મા કી રાહ પર’ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતાએ પણ મહારાષ્ટ્રમાં આવેલા સેવાગ્રામમાં તેમના જીવનના ૧૧ વર્ષ વીતાવ્યા હતા. રાહુલ ગાંધીની આ યાત્રાનો ઉદ્દેશ છે દેશ માટે ગાંધીજીના સિદ્ધાંતો પર તૈયાર થયેલો કોંગ્રેસનો દૃષ્ટિકોણ રજૂ કરવો. સેવાગ્રામના રસ્તામાં લાગેલા મોટા પોસ્ટરમાં લખેલું માર્મિક લખાણ દર્શાવે છે કે ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી લોકોને શું સમજાવવા માગે છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે એક ઈંચ જેટલું પણ ડગલું ભરવું એ મોટા ભાષણો આપવા કરતાં વધારે મૂલ્યવાન છે. કોંગ્રેસના મહાસચિવ અને સંગઠનના ઈન્ચાર્જ અશોક ગેહલોત ૧ ઓક્ટોબરે સેવાગ્રામ ખાતે આવી પહોંચ્યા હતા.