(એજન્સી) ગુવાહાટી, તા.રપ
પ૯ વર્ષીય નુરૂદ્દીન અહેમદ છેલ્લા ૪ર વર્ષથી હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ, શિલ્પકૃતિઓ અને ચિત્રો બનાવે છે અને તેમને આ કામ કરવામાં કોઈ વાંધો નથી. સોમવારે તેમણે મા દુર્ગાની ૧૦૧ ઊંચી પ્રતિમાને આખરી ઓપ આપી હતી. સંપૂર્ણપણે વાંસથી બનેલ આ પ્રતિમાને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવી અપેક્ષા છે. અહેમદે કહ્યું કે, તેઓ ૧૯૭પથી હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ બનાવતા આવ્યા છે. તેમણે સૌપ્રથમવાર સ્થાનિય પૂજા કમિટી માટે મા દુર્ગાની પ્રતિમા બનાવી હતી જેમાં તેમણે માટી, વાંસ અને સ્ટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ ૧૦૧ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે તેમણે વાંસની વિવિધ પ૦૦૦ બનાવટોનો ઉપયોગ કર્યો છે અને આસામી કારીગરીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહેમદે કહ્યું કે કેટલીક મીડિયા કર્મીઓ સહિત અન્ય લોકો મને હાસ્યાસ્પદ પ્રશ્નો પૂછી રહ્યા છે કે તમે મુસ્લિમ હોવા છતાં હિન્દુ દેવી-દેવતાની પ્રતિમા બનાવવાનું કેમ પસંદ કર્યું. અહેમદ આસામી સંસ્કૃતિમાં ઉછર્યા છે જ્યાં ધાર્મિક સહિષ્ણુતા દેશના અન્ય ભાગો કરતાં વધુ માત્રામાં છે. નુરૂદ્દીન અહેમદ ૧૯૭૦ના દશકની શરૂઆતમાં મુંબઈમાં જે.જે.કોલેજ ઓફ આટર્સમાં અભ્યાસ અધૂરો મૂકી આસામ પરત ફર્યા અને રાજ્યના ફિલ્મ ઉદ્યોગમાં જોડાયા. અત્યાર સુધી તેમણે ૧૦૦થી વધુ ફિલ્મોમાં અહીં ડિરેકટર તરીકે કામ કર્યું છે અને કેટલીક ફિલ્મો માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ૧૭મી સપ્ટેમ્બરે આવેલા વાવાઝોડાને કારણે અહેમદે બનાવેલ પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ તેમણે અને તેમની ૪૦ યુવકોની ટુકડીએ મળીને ૬ દિવસમાં કામ પૂરું કરી મા દુર્ગાની આ ભવ્ય પ્રતિમા લોકો સમક્ષ ખુલ્લી મૂકી છે.